સત્ય. સાહસ. સંકલ્પ.

IPL 2027 પહેલાં CSKમાં ફેરફાર: ઝહીર ખાન સાથે કામ કરશે ગેરેથ બેટ્ટી

IPL 2027 પહેલાં CSKમાં ફેરફાર: ઝહીર ખાન સાથે કામ કરશે ગેરેથ બેટ્ટી

ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2027ની સીઝન પહેલાં પોતાના કોચિંગ સ્ટાફમાં એક મહત્ત્વનો ફેરફાર કર્યો છે. ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ગેરેથ બેટ્ટીને ટીમનો સહાયક કોચ બનાવવામાં આવ્યો છે. તેઓ મુખ્ય કોચ ઝહીર ખાન સાથે મળીને ટીમને તૈયાર કરશે.

બેટ્ટીની આ નવી ભૂમિકાની પુષ્ટિ સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબે કરી છે. ક્લબે ગેરેથ બેટ્ટીના વિદાયની જાહેરાત કરતાં જણાવ્યું કે તેઓ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાવા માટે ટીમ છોડી રહ્યા છે.

બેટ્ટીના કોચિંગ કાર્યકાળમાં સરે કાઉન્ટી ક્લબે 2022, 2023 અને 2024 સુધી સતત ત્રણ કાઉન્ટી ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યા હતા. આ સફળતાને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે તેમના કોચિંગ અનુભવને મહત્ત્વ આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે ચેન્નાઈ સુપર કિંગ્સે થોડા સમય પહેલાં જ પૂર્વ ભારતીય ઝડપી બોલર ઝહીર ખાનને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યો હતો. હવે બેટ્ટીના આગમનથી ટીમના કોચિંગ સ્ટાફમાં વધુ અનુભવ ઉમેરાયો છે. આગામી સીઝનમાં બંને કોચ વચ્ચેનું સંકલન ટીમ માટે અગત્યનું રહેશે.

ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલની સૌથી સફળ ટીમોમાંની એક છે. ટીમે અત્યાર સુધી પાંચ વખત ખિતાબ જીત્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ પાસે પણ પાંચ જ ટ્રોફી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે છેલ્લે 2023માં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ટ્રોફી જીતી હતી.

આગામી સીઝનમાં ટીમનું લક્ષ્ય છઠ્ઠી ટ્રોફી જીતવાનું રહેશે. નવા કોચિંગ સ્ટાફની ટીમની રણનીતિ અને ખેલાડીઓના પ્રદર્શન પર શું અસર થાય છે, તેના પર ચાહકોની નજર રહેશે.

ગેરેથ બેટ્ટીએ 2002માં ઈંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને 2016માં તેમની છેલ્લી મેચ રમાઈ હતી. કારકિર્દી દરમિયાન તેમણે નવ ટેસ્ટ, દસ વનડે અને એક ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેમણે ટેસ્ટમાં 15 અને વનડેમાં પાંચ વિકેટ લીધી છે. હવે ખેલાડી તરીકેની કારકિર્દી બાદ તેઓ કોચ તરીકે આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સની સફળતામાં યોગદાન આપવાનો પ્રયાસ કરશે.