સત્ય. સાહસ. સંકલ્પ.

ગરબો વળાવવાનું શુભ મુહૂર્ત: દશેરાના દિવસે કેવી રીતે કરવો પૂજા, જાણો પ્રસાદ અને વિધિ

ગરબો વળાવવાનું શુભ મુહૂર્ત: દશેરાના દિવસે કેવી રીતે કરવો પૂજા, જાણો પ્રસાદ અને વિધિ

આસો સુદ નોમ 20 ઓક્ટોબર, મંગળવારે બપોરે 12:51 કલાકે પૂર્ણ થશે અને તે સાથે દશમી તિથિનો પ્રારંભ થશે. હિન્દુ પંચાંગ અનુસાર આ દિવસે વિજયાદશમી એટલે કે દશેરા, મૈસુર દશેરા અને આયુધપૂજા ઉજવવામાં આવશે.

નવરાત્રિ પૂરી થતાં જ ઘણા પરિવારોમાં કુળપરંપરા મુજબ ગરબો વળાવવાની પ્રથા છે. જ્યોતિષાચાર્ય આશિષ રાવલ પાસેથી જાણીએ કે ગરબો વળાવવાનું શુભ મુહૂર્ત ક્યારે છે અને વિધિ કેવી રીતે કરવી.

શુભ મુહૂર્ત

20 ઓક્ટોબરે બપોરે 12:51 કલાક પછી દશમી તિથિ બેસતાં જ ગરબો વળાવવાનું મંગળ કાર્ય શરૂ કરી શકાય છે.

ગરબો વળાવવાની વિધિ

1. ખંડ પૂરવો: માતાજીના ગરબામાં ચોખા, ઘઉં કે ધાન્યનો ખંડ પૂરીને ગરબો વળાવવામાં આવે છે.

2. નૈવેદ્ય અને પ્રસાદ: પરંપરા મુજબ માતાજીને સુખડી, લાપસી, જલેબી, ગળ્યા સાટા કે અન્ય મીઠાઈનો ભોગ ધરાવવામાં આવે છે. કેટલાક પરિવારોમાં ભાત અને ગોળનો ખંડ ભરીને પ્રસાદ અર્પણ કરવાની પણ પ્રથા છે.

3. ભાવપૂર્વક વિદાય: અંતે પરિવારજનો ભેગા મળીને ગરબા ગાય છે અને આદ્યશક્તિ જગદંબાને ભક્તિભાવથી વિદાય આપીને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ માંગે છે.

દશેરાનું વણજોયું મુહૂર્ત

શાસ્ત્રોક્ત માન્યતા મુજબ વસંત પંચમી, ગુડી પડવો, નૂતન વર્ષ અને રથયાત્રાની જેમ દશેરાને પણ વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. આ દિવસે કોઈ પણ શુભ કે નવીન કાર્યનો પ્રારંભ મંગલકારી ગણાય છે.

નવા કાર્યો: મકાન-મિલકતના દસ્તાવેજ, ગૃહપ્રવેશ અને નવા ધંધા-વ્યવસાયનું ઉદ્ઘાટન આ દિવસે કરી શકાય છે.

ખરીદી: નવાં વાહનો તથા ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની ખરીદી માટે આ દિવસ ઉત્તમ માનવામાં આવે છે.

ચોપડા ખરીદી: વિક્રમ સંવત 2083ના આવનારા નૂતન વર્ષને ધ્યાનમાં રાખીને વેપારીઓ આ દિવસે નવા ચોપડાની ખરીદી કરે છે.

ધાર્મિક ઉપાસના અને અસ્ત્ર-શસ્ત્ર પૂજન

ધાર્મિક દૃષ્ટિએ વિજયાદશમીના દિવસે શનિદેવ, હનુમાનજી, મંગળ ગ્રહ તથા કુળદેવીની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે. સાધકો દસ મહાવિદ્યાઓ — કાલી, તારા, ષોડશી, ભુવનેશ્વરી, ત્રિપુર ભૈરવી, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલા સહિત શક્તિનાં સ્વરૂપોનું સ્મરણ કરે છે. પ્રાચીન પરંપરા મુજબ ક્ષાત્રધર્મ અને રક્ષાના પ્રતીક સમા અસ્ત્ર-શસ્ત્ર પૂજનનો મહિમા પણ આ દિવસે જોવા મળે છે.