સત્ય. સાહસ. સંકલ્પ.

નવરાત્રીમાં 'ગરબા પાર્ટનર ભાડે'ની પોસ્ટ્સ વાયરલ, સાયબર ક્રાઇમ સતર્ક

નવરાત્રીમાં 'ગરબા પાર્ટનર ભાડે'ની પોસ્ટ્સ વાયરલ, સાયબર ક્રાઇમ સતર્ક

ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે અને આગામી શારદીય નવરાત્રી 11 ઓક્ટોબર, રવિવારથી શરૂ થઈને 19 ઓક્ટોબર સુધી ઉજવાશે. આસો મહિનાની પ્રતિપદા તિથિએ એટલે કે પ્રથમ નોરતે ઘટસ્થાપન થશે અને 20 ઓક્ટોબર, મંગળવારે વિજયાદશમી ઉજવાશે.

નવરાત્રી નજીક આવતાં સોશિયલ મીડિયા પર 'ગરબા પાર્ટનર ભાડે મેળવો' અથવા 'રેન્ટ અ ગરબા પાર્ટનર' જેવી પોસ્ટ્સ ઝડપથી વાયરલ થઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ કેટેગરીના રૂ. 1,000થી 2,000 સુધીના પેકેજની જાહેરાત થઈ રહી છે. યુવાનો અત્યારથી ગરબાના પાસ બુક કરાવી રહ્યા છે, તેવા સમયે આ પ્રકારની જાહેરાતો ચર્ચાનું કેન્દ્ર બની છે.

વાયરલ થઈ રહેલી પોસ્ટમાં દાવો કરાયો છે કે રૂ. 1,000થી શરૂ થતા 'સિલ્વર પેકેજ'માં 2 કલાક ગરબા રમવાની સુવિધા, મેચિંગ આઉટફિટ, ગરબાના બેઝિક સ્ટેપ શીખવવા અને ફોટો કે સેલ્ફી લેવાની સુવિધા મળશે. રૂ. 1,500થી 2,000ના 'ગોલ્ડ પેકેજ'માં 4 કલાક ગરબા, ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ અને ફોટા પોસ્ટ કરવા તેમજ એકબીજાને કેવી રીતે મળ્યા તેની બનાવટી વાર્તા બનાવવાનો ઓપ્શન આપવામાં આવ્યો છે. જ્યારે રૂ. 2,000થી 6,500 સુધીના 'પ્લેટિનમ પેકેજ'માં આખી રાત ગરબા, પર્સનલ ટ્રેનિંગ, સ્પેશિયલ કેન્ડિડ ફોટો અને રીલ્સ, પબ્લિકમાં હાથ પકડવો તેમજ ગરબા બાદ લેટ-નાઈટ ફૂડ ડ્રાઈવ પર જવાનો સમાવેશ થાય છે. કેટલાક પેજ પર 'મિડનાઈટ મેગી રન', 'સ્પેશિયલ બર્થડે ગરબા ડેટ' અને 'એક રાત માટે ફેક ડેટિંગ' જેવા એડ-ઓન્સ પણ દર્શાવાયા છે.

આ ટ્રેન્ડ સામે સંત જ્યોતિરનાથ બાપુએ આકરો વિરોધ નોંધાવ્યો છે. તેમણે આ બાબતને પવિત્ર સંસ્કૃતિ માટે વાહિયાત અને નુકસાનકારક ગણાવીને સવાલ ઉઠાવ્યો છે કે નવરાત્રી જેવા ભક્તિ અને આરાધનાના પવિત્ર દિવસોમાં સંસ્કૃતિનો આવો વેપાર કેવી રીતે ચલાવી શકાય? તેમણે ચેતવણી આપી છે કે આવા પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણથી બ્લેકમેલિંગ અને અન્ય અપરાધો વધવાની શક્યતા છે. તેમણે વાલીઓ, આયોજકો અને યુવાનોને જાગૃત થવા તેમજ સરકાર અને પોલીસ પ્રશાસનને આવા અસામાજિક તત્વો સામે તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરવા અપીલ કરી છે.

રાજકોટના ગરબા ક્લાસીસના સંચાલકો અને ખેલૈયાઓમાં પણ આ પોસ્ટ્સ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એક ખાસ વાતચીતમાં યુવાનો અને મહિલાઓએ આ બાબતને ભારતીય સંસ્કૃતિનું અપમાન ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે નવરાત્રીના નવ દિવસ જગદંબાની પવિત્ર આરાધના માટે હોય છે, જેમાં માતા-પિતા પોતાની દીકરીઓ પર વિશ્વાસ રાખીને ગરબે રમવા મોકલે છે. આવી પોસ્ટ્સ યુવાનોને ગુમરાહ કરે છે અને સામાજિક મૂલ્યોને નુકસાન પહોંચાડે છે. ખેલૈયાઓએ સરકાર અને સાયબર પોલીસને આવા તત્વો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

નવરાત્રી દરમિયાન સોશિયલ મીડિયા પર 'રેન્ટ ઓન ગરબા' અને દરરોજ નવા પાર્ટનર શોધવા અંગેની પોસ્ટ્સ વાયરલ થતાં અમદાવાદ સાયબર ક્રાઇમ સતર્ક બન્યું છે. મોનિટરિંગ દરમિયાન પ્રાથમિક તપાસમાં આ માત્ર ફોલોઅર્સ વધારવાનો કીમિયો અથવા સાયબર ચીટિંગની નવી મોડસ ઓપરેન્ડી હોવાનું જણાયું છે, જેના કારણે આવી પોસ્ટ્સ રિમૂવ કરવામાં આવી રહી છે. સાયબર ક્રાઇમે લોકોને અજાણી વ્યક્તિઓ પર ભરોસો ન કરવા અને ગરબા પાર્ટનર બનવાના નામે ટિકિટ, ફૂડ કે ટ્રાવેલિંગ માટે પૈસા ન આપવા અપીલ કરી છે. હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ આવી છેતરપિંડી થાય તો તાત્કાલિક હેલ્પલાઇન પર સંપર્ક કરવા જણાવાયું છે.