સત્ય. સાહસ. સંકલ્પ.

નવરાત્રીમાં ઓનલાઈન ગરબા પાર્ટનરની પોસ્ટથી સાવધાન, સાયબર ક્રાઈમની નજર

નવરાત્રીમાં ઓનલાઈન ગરબા પાર્ટનરની પોસ્ટથી સાવધાન, સાયબર ક્રાઈમની નજર

આગામી 11 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થવાની છે. ત્યારે સોશિયલ મીડિયા પર ગરબા પાર્ટનર ભાડે મળશે તેવી પોસ્ટ ઝડપથી ફરી રહી છે. સાયબર ક્રાઈમ વિભાગે આ પોસ્ટ પર નજર રાખી છે. તપાસમાં અમદાવાદ, સુરત અને મુંબઈના કેટલાક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોલ્ડર્સની પૂછપરછ કરવામાં આવી છે.

અમદાવાદ સાયબર ક્રાઈમના ACP હાર્દિક માકડિયાએ જણાવ્યું કે, ગરબા પાર્ટનર ભાડે આપવાની પોસ્ટ મૂકનારા કેટલાક એકાઉન્ટ હોલ્ડર્સ અમદાવાદ, સુરત અને મુંબઈના છે અને તે ખરા છે. પરંતુ તહેવારોમાં સાયબર ગઠિયાઓ પણ નકલી એકાઉન્ટ બનાવીને આવી પોસ્ટ મૂકે છે. તેઓ પરિચય કેળવીને વ્યક્તિગત માહિતી મેળવીને ઠગાઈ કરી શકે છે. તેથી લોકોએ સાવધ રહેવું જોઈએ.

અમદાવાદ સાયબર ક્રાઈમને હજુ સુધી આ પ્રકારની ઠગાઈની કોઈ સત્તાવાર ફરિયાદ મળી નથી. સુરક્ષાના કારણોસર અજાણી વ્યક્તિ સાથે ગરબા પાર્ટનર તરીકે જવું યોગ્ય નથી. લોકોએ આવી પોસ્ટ અને અજાણ્યા લોકોથી દૂર રહેવું જોઈએ.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી પોસ્ટમાં રૂ. 1000થી શરૂ થતા 'સિલ્વર પેકેજ'માં 2 કલાક ગરબા રમવાની સુવિધા, મેચિંગ કપડાં, ગરબાના બેઝિક સ્ટેપ શીખવવા અને સાથે ફોટો કે સેલ્ફી લેવાની ઓફર છે. રૂ. 1500થી 2000ના 'ગોલ્ડ પેકેજ'માં 4 કલાક ગરબા રમવા, ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ અને ફોટા પોસ્ટ કરવા તેમજ એકબીજાને કેવી રીતે મળ્યા તેની બનાવટી વાર્તા બનાવવાનો વિકલ્પ આપવામાં આવે છે.

આખી રાત ગરબા રમવાનો શોખ ધરાવતા લોકો માટે રૂ. 2000થી 6500 સુધીના 'પ્લેટિનમ પેકેજ'ની પણ જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજમાં આખી રાત ગરબા રમવા, પર્સનલ ટ્રેનિંગ, સ્પેશિયલ કેન્ડિડ ફોટા અને રીલ્સ બનાવવા, જાહેરમાં હાથ પકડવો તેમજ ગરબા પૂરા થયા પછી લેટ-નાઈટ ફૂડ ડ્રાઈવ (જેમ કે ચાટ, કુલ્ફી કે ફાલુદા) પર જઈને ડ્રોપ કરવાની બાબતોનો સમાવેશ થાય છે. કેટલાક પેજ પર 'મિડનાઈટ મેગી રન', 'સ્પેશિયલ બર્થડે ગરબા ડેટ' અને 'એક રાત માટે ફેક ડેટિંગ' જેવા વધારાના ઓફર પણ દર્શાવાયા છે.

આ પોસ્ટ પાછળની સાચ્ચાઈ જાણવા માટે સંપર્ક કરતાં જાણવા મળ્યું કે, આ પ્રકારની પોસ્ટ ફક્ત સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા માટે કરવામાં આવે છે. તેથી લોકોએ સાયબર ઠગાઈથી બચવા માટે અજાણ્યા લોકો સાથે ગરબા પાર્ટનર તરીકે ન જવું જોઈએ અને કોઈપણ પ્રકારની વ્યક્તિગત માહિતી શેર ન કરવી જોઈએ.