ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ 2027 વનડે વર્લ્ડ કપને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આગામી વર્લ્ડ કપમાં રોહિત શર્મા કે વિરાટ કોહલી નહીં, પરંતુ હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ ભારત માટે સૌથી મોટા ગેમ ચેન્જર સાબિત થશે. સાઉથ આફ્રિકામાં યોજાનાર આ વર્લ્ડ કપમાં આ ત્રણેયની ફિટનેસ અને પ્રદર્શન ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
ગાંગુલીએ હેડ કોચ ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટને સ્પષ્ટ સંકેત આપતાં જણાવ્યું કે હાર્દિક પંડ્યાને સંપૂર્ણ ફિટ રાખીને મેદાન પર ઉતારવો એ સૌથી મોટા પડકારો પૈકીનો એક રહેશે. તેમણે કહ્યું, "હાર્દિક ભલે નિયમિતપણે વધુ ક્રિકેટ ન રમતા હોય, પરંતુ ટીમના સાચા સંતુલન માટે તેમનું હોવું અત્યંત જરૂરી છે."
સાઉથ આફ્રિકાની ઉછાળવાળી પીચો પર સીમિંગ ઓલરાઉન્ડરની ભૂમિકા મહત્ત્વની બનશે. ગાંગુલીએ વિશ્લેષણ કરતાં કહ્યું કે ભારતીય ટીમના ટોપ 5 બેટ્સમેનોમાંથી કોઈ બોલિંગ કરતું નથી. આવા સંજોગોમાં ટીમને પાંચમા કે છઠ્ઠા બોલિંગ વિકલ્પ તરીકે એક સક્ષમ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરની તાતી જરૂર પડશે.
જો હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થાય તો ગાંગુલીના મતે બીજો શ્રેષ્ઠ વિકલ્પ નીતિશ કુમાર રેડ્ડી છે. જોકે, તેના માટે મેનેજમેન્ટે નીતિશને વર્લ્ડ કપ સુધી સતત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાડવું પડશે. રવીન્દ્ર જાડેજા વિશે બોલતાં તેમણે કહ્યું કે તેઓ નંબર 7 પર શાનદાર બેટ્સમેન અને ઉપયોગી બોલર છે, પરંતુ સાઉથ આફ્રિકાની પરિસ્થિતિઓમાં પેસ ઓલરાઉન્ડરની ભૂમિકા વધુ મહત્ત્વની રહેશે.
પૂર્વ કેપ્ટને ઉમેર્યું કે હાર્દિક ઉપરાંત જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની ફિટનેસ આખી ટૂર્નામેન્ટમાં ભારતનું ભવિષ્ય નક્કી કરશે. આ ત્રણ ખેલાડીઓ ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટા એક્સ-ફેક્ટર છે.