સત્ય. સાહસ. સંકલ્પ.

કામરેજમાં ગણેશ વિસર્જન દરમિયાન નાવડી ડૂબી, ત્રણ યુવકોના મોત

કામરેજમાં ગણેશ વિસર્જન દરમિયાન નાવડી ડૂબી, ત્રણ યુવકોના મોત

સુરતના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામે ગણેશ વિસર્જન દરમિયાન એક દુર્ઘટના બની છે. તાપી નદીમાં ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે જઈ રહેલી નાવડી ડૂબી જતાં ત્રણ યુવકોના મોત થયા છે. આ ઘટનાથી ઉત્સવનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે. મૃતક યુવકો કામરેજના ખોલવડ ગામની ગુરુકૃપા સોસાયટીમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

ગણેશ વિસર્જન માટે યુવકો તાપી નદી તરફ ગયા હતા. મંગલમૂર્તિનું વિસર્જન કરવા માટે નાવડીમાં સવાર થઈ તેઓ નદીમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક નાવડી ડૂબી ગઈ હતી. નાવડી ડૂબતાં તેમાં સવાર ત્રણેય યુવકો પાણીમાં ગરકાવ થયા અને તેમના મોત થયા હતા.

ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્રણ યુવકોના મોતના સમાચારથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. એકસાથે ત્રણ યુવકોના મોતથી ખોલવડ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગણેશ વિસર્જનનો પર્વ ત્રણ પરિવારો માટે કરૂણ ઘટનામાં ફેરવાઈ ગયો છે.

અમરેલીના બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે પણ એક અલગ દુર્ઘટના બની છે. સ્થાનિક ચેકડેમમાં નાહવા પડેલા ચાર લોકો ડૂબી ગયા હતા. ચારેય લોકો પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતાં ડૂબી ગયા હતા. બાબરા પોલીસ ગણેશ વિસર્જનના બંદોબસ્ત માટે જઈ રહી હતી ત્યારે રસ્તામાં ચેકડેમ નજીક કેટલાક વસ્ત્રો નજરે પડ્યા હતા. પોલીસને શંકા જતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચેકડેમના પાણીમાં મૃતદેહો નજરે પડ્યા હતા.

મૃતદેહો નજરે પડતાં બાબરા પોલીસની ટીમે સ્થાનિક લોકોની મદદથી ચેકડેમમાંથી ચારેય મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ મૃતદેહોને જરૂરી કાર્યવાહી માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચેકડેમમાં ડૂબી જવાથી બે મામા અને બે ભાણેજના મોત થતાં પરિવાર પર આભ ફાટ્યું છે. એકસાથે ચાર લોકોના મોતના સમાચારથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.