સત્ય. સાહસ. સંકલ્પ.

ગણેશ વિસર્જન 2026: અનંત ચતુર્થી 25 સપ્ટેમ્બરે, જાણો શુભ મુહૂર્ત અને વિધિ

ગણેશ વિસર્જન 2026: અનંત ચતુર્થી 25 સપ્ટેમ્બરે, જાણો શુભ મુહૂર્ત અને વિધિ

ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં શ્રદ્ધા અને ઉત્સાહથી ઉજવાય છે. ભક્તો ઘર અને પંડાલોમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરીને દસ દિવસ સુધી વિધિવત્ પૂજા-અર્ચના કરે છે. ત્યાર બાદ અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાને ભાવભીની વિદાય આપવામાં આવે છે, જેને ગણેશ વિસર્જન કહેવાય છે.

ધાર્મિક માન્યતા મુજબ, વિસર્જન સાથે ભગવાન ગણેશ ભક્તોના કષ્ટ અને વિઘ્ન દૂર કરીને સુખ-સમૃદ્ધિનું આશીર્વાદ આપે છે. જેમ સ્થાપનાના સમયનું મહત્વ છે, તેમ વિસર્જન માટે પણ યોગ્ય મુહૂર્ત જોવું શુભ ગણાય છે.

અનંત ચતુર્દશી ક્યારે?

વૈદિક પંચાંગ અનુસાર, આ વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ 24 સપ્ટેમ્બરની રાત્રે 11:18 વાગ્યે શરૂ થશે અને 25 સપ્ટેમ્બરની રાત્રે 11:06 વાગ્યે પૂર્ણ થશે. ઉદયતિથિના આધારે અનંત ચતુર્થી 25 સપ્ટેમ્બર, શુક્રવારે ઉજવાશે.

વિસર્જન માટે શુભ મુહૂર્ત

વૈદિક દ્રિક પંચાંગ મુજબ, 25 સપ્ટેમ્બરે સવારે 6:11 થી રાત્રે 10:42 સુધી ચર, લાભ અને અમૃત ચોઘડિયાનું સંયોજન રહેશે, જે વિસર્જન માટે શુભ મનાય છે. આ ઉપરાંત બપોરે 12:13 થી 1:43 સુધી શુભ ચોઘડિયું, સાંજે 4:44 થી 6:14 સુધી ચર ચોઘડિયું અને રાત્રે 9:14 થી 10:42 સુધી લાભ ચોઘડિયામાં પણ ગણપતિ વિસર્જન કરી શકાય છે.

વિસર્જનની વિધિ

સવારે સ્નાન કરીને ભગવાન ગણેશનું ધ્યાન કરો અને પૂજાસ્થળ સ્વચ્છ કરો. ચૌકી પર સ્વચ્છ પીળું કે લાલ વસ્ત્ર પાથરી, સ્વસ્તિક બનાવી તેના પર અક્ષત (ચોખા) રાખો.

વિસર્જન પહેલાં ગણપતિ બાપ્પાની અંતિમ પૂજા કરો. ભગવાનને સ્નાન કરાવી, નવાં વસ્ત્રો પહેરાવી, કંકુનું તિલક કરો. ત્યાર બાદ દુર્વા, ફૂલ, મોદક અને લાડુનો ભોગ ધરાવો.

‘ૐ ગં ગણપતયે નમઃ’ જેવા ગણેશ મંત્રોનો જાપ કરો અને ગણેશ સ્તોત્રનો પાઠ કરો. પરિવારના સભ્યો સાથે આરતી કરો.

મૂર્તિને જળમાં વિસર્જિત કરતાં પહેલાં ‘ગણપતિ બાપ્પા મોરયા, આવતા વર્ષે વહેલા આવજો’ના જયકારા લગાવો.

વિસર્જન દરમિયાન જાપ કરવાના મંત્રો

ૐ ગં ગણપતયે નમઃ — આ ભગવાન ગણેશને સમર્પિત સૌથી સરળ અને સામાન્ય મંત્ર છે. ધાર્મિક માન્યતા મુજબ, તેના જાપથી જીવનમાં આવતાં વિઘ્નો દૂર થાય છે અને મનને શાંતિ મળે છે.

ૐ એકદંતાય વિઘ્નવિનાશિનાય ધીમહિ તન્નો દંતિઃ પ્રચોદયાત્ — માન્યતા મુજબ, આ મંત્રના જાપથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.