સત્ય. સાહસ. સંકલ્પ.

ગણેશ વિસર્જન 2026: અનંત ચતુર્દશી 17 સપ્ટેમ્બરે, જાણો વિસર્જનની યોગ્ય રીત અને નિયમો

ગણેશ વિસર્જન 2026: અનંત ચતુર્દશી 17 સપ્ટેમ્બરે, જાણો વિસર્જનની યોગ્ય રીત અને નિયમો

દેશભરમાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ગણેશ ચતુર્થીથી લઈને આગામી 10 દિવસ સુધી ગણેશ ઉત્સવ ચાલશે. આ તહેવાર અનંત ચતુર્દશીના દિવસે સમાપ્ત થશે. ત્યારે જાણીએ કે બાપ્પાને કેવી રીતે વિદાય આપવી અને વિસર્જનના નિયમો શું છે.

અનંત ચતુર્દશીના દિવસે ભક્તો બાપ્પાને ધામધૂમથી વિદાય આપે છે અને આવતા વર્ષે વહેલા પાછા ફરવાનું નિમંત્રણ આપે છે. સાથે જ ગણેશજીની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે.

વૈદિક કેલેન્ડર અનુસાર, આ વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ 16 સપ્ટેમ્બર, સોમવારે બપોરે 3:10 વાગ્યે શરૂ થશે અને 17 સપ્ટેમ્બર, મંગળવારે રાત્રે 11:44 કલાકે સમાપ્ત થશે. આથી 17 સપ્ટેમ્બરે ઉદયતિથિના આધારે અનંત ચતુર્દશી ઉજવાશે.

ગણપતિનું વિસર્જન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સૌ પ્રથમ સ્નાન કરીને શરીર અને મનથી શુદ્ધ થવું જોઈએ. ત્યારબાદ સ્વચ્છ વસ્ત્રો પહેરીને જ્યાં બાપ્પા બિરાજમાન છે તે સ્થાનને સાફ કરવું જોઈએ. પછી ગણપતિને ગંગાજળથી સ્નાન કરાવો અને તિલક, ફૂલ, ફળ, મોદક, દુર્વા વગેરે ચઢાવો. આ પછી દીવો પ્રગટાવીને આરતી કરો, પૂજામાં થયેલી ભૂલ માટે માફી માંગો અને જીવનમાં શુભતા આવે તે માટે પ્રાર્થના કરો. ત્યારબાદ વિસર્જન કરો.

ધ્યાનમાં રાખવાની મુખ્ય વાત એ છે કે ગણેશજીને ક્યારેય વિસર્જનનો મંત્ર બોલીને વિદાય ન આપો. હંમેશા રિદ્ધિ-સિદ્ધિ સાથે ઘરમાં વસે તેમની કામના સાથે મૂર્તિનું વિસર્જન કરો. જ્યારે પણ સ્થાપના કરો ત્યારે પૂજામાં રહેતી કાયમી ગણેશની મૂર્તિને પણ સ્થાપિત કરો અને વિસર્જન સમયે આ મૂર્તિને ઘરના કાયમી પૂજા સ્થાન પર મૂકીને જ બાપ્પાની અન્ય માટીની મૂર્તિનું વિસર્જન કરો.

વિસર્જનના નિયમો:

  • હંમેશા શુભ મુહૂર્તમાં જ વિસર્જન કરવું જોઈએ.
  • પૂજા દરમિયાન ગણપતિને ચઢાવવામાં આવતી સામગ્રીને તેની સાથે જ વિસર્જિત કરો.
  • જો તમે ભગવાન ગણેશને નારિયેળ અર્પણ કર્યું છે, તો તેને ન તોડો અને તેની સાથે જ તેનું વિસર્જન કરો.
  • ગણેશજીની મૂર્તિને પૂર્ણ ભક્તિ સાથે પાણીમાં વિસર્જિત કરો.
  • વિસર્જનના દિવસે કાળા કપડાં ન પહેરવા.
  • મૂર્તિને કોઈપણ નદીમાં વિસર્જિત ન કરતા, ઘરમાં જ કન્ટેનરમાં પાણી ભરીને સન્માનપૂર્વક વિસર્જન કરો. જો મૂર્તિ નાની હોય તો ટબમાં વિસર્જન કરીને પાણી અને માટીને વાસણમાં અથવા બગીચામાં છોડના ક્યારામાં નાખી દો.
  • વિસર્જન કરતી વખતે ઊંડા પાણીમાં ન જવું.

આ રીતે નિયમોનું પાલન કરીને ગણપતિ બાપ્પાને વિદાય આપવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.