સત્ય. સાહસ. સંકલ્પ.

અમરેલીના ચાંચ બંદરમાં ગણેશ વિસર્જન દરમિયાન 3 યુવકો ડૂબ્યા, 2ને બચાવ્યા, 1 લાપતા

અમરેલીના ચાંચ બંદરમાં ગણેશ વિસર્જન દરમિયાન 3 યુવકો ડૂબ્યા, 2ને બચાવ્યા, 1 લાપતા

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાંચ બંદર ગામે ગણેશ વિસર્જન દરમિયાન દરિયાઈ ખાડીમાં ત્રણ યુવકો ડૂબી ગયા હતા. જેમાંથી બે યુવકોને સ્થાનિક લોકોએ બચાવી લીધા છે, જ્યારે 19 વર્ષીય વીરસંગ ગુજરીયા નામનો યુવક હજુ લાપતા છે.

મળતી માહિતી મુજબ, ચાંચ બંદર ગામના લોકો ગણેશ વિસર્જન માટે દરિયાઈ ખાડી કિનારે એકઠા થયા હતા. ગણપતિ વિસર્જન કરીને પરત ફરતી વખતે અચાનક ત્રણ યુવકો ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા. આ જોઈને કિનારે હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકોએ તાત્કાલિક પાણીમાં ઝંપલાવ્યું અને ત્રણમાંથી બે યુવકોને સહીસલામત બહાર કાઢ્યા. જોકે, વીરસંગ ગુજરીયા હજુ લાપતા છે.

આ દુર્ઘટનાની જાણ થતાં ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મામલતદાર, સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું.

લાપતા યુવકની શોધખોળ માટે સ્થાનિક તરવૈયાઓ અને તંત્રની રેસ્ક્યૂ ટીમ દ્વારા દરિયાઈ ખાડીમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાથી ચાંચ બંદર ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.