ગણેશ ચતુર્થીના પર્વ પર આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ નજીક ગાજુવાકા ખાતે એક અનોખી ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે, જે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે.
આ મૂર્તિનું નામ 'શ્રી દિવ્ય કંકણ અલંકાર મહા ગણપતિ' રાખવામાં આવ્યું છે. તેને એક કરોડથી વધુ લાલ રંગની કાચની બંગડીઓથી સજાવવામાં આવી છે. આ મૂર્તિ બનાવવાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર wander_vizag નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આયોજકોના જણાવ્યા અનુસાર, મૂર્તિની સજાવટ માટે લાલ કાચની બંગડીઓ ખાસ ઉત્તર પ્રદેશથી મંગાવવામાં આવી છે. મૂર્તિનું નિર્માણ અને સજાવટનું કામ ચીરાલાના કારીગરો દ્વારા કરવામાં આવ્યું છે. મૂર્તિને લાકડું, વાંસ-બેંત અને પર્યાવરણને અનુકૂળ સામગ્રી પર તૈયાર કરવામાં આવી છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, અનેક મહિલાઓ એકસાથે બેસીને લાલ બંગડીઓને પાઇપોમાં પરોવે છે. ત્યારબાદ આ પાઇપોની લાંબી લડીઓને મૂર્તિના ચરણો, હાથ અને શરીર પર બારીકાઈથી લપેટવામાં આવે છે. ઊંચાઈ પર કામ કરતા કારીગરો સુધી આ બંગડીઓની લડીઓ પહોંચાડવી સરળ નહોતું, પરંતુ સ્થાનિક લોકો અને મહિલા સ્વયંસેવકોએ ભક્તિભાવથી આ કામ પૂરું કર્યું.
ગાજુવાકામાં દર વર્ષે ગણેશ ચતુર્થી પર અનોખા પ્રયોગો કરવામાં આવે છે. ગત વર્ષે 2025માં અહીં 1 લાખ સુતરાઉ અને રેશમી સાડીઓથી 89 ફૂટ ઊંચી ગણેશ પ્રતિમા સજાવવામાં આવી હતી. આ વખતે 'સૌભાગ્ય' અને પારંપરિક સંસ્કૃતિના પ્રતીક ગણાતી લાલ બંગડીઓનો ઉપયોગ કરીને આ પર્વને વધુ ખાસ બનાવવામાં આવ્યો છે.