સત્ય. સાહસ. સંકલ્પ.

ગણેશ ચતુર્થી 2026: ઓફિસમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ ખરીદતા પહેલાં આ નિયમો ધ્યાનમાં રાખો

ગણેશ ચતુર્થી 2026: ઓફિસમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ ખરીદતા પહેલાં આ નિયમો ધ્યાનમાં રાખો

ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર આ વર્ષે 14 સપ્ટેમ્બર 2026ના રોજ સમગ્ર દેશમાં શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવશે. ગણેશોત્સવ દરમિયાન ઘણા શ્રદ્ધાળુઓ પોતાના ઓફિસમાં ગણપતિ બાપ્પાની પ્રતિમાની સ્થાપના કરે છે, નવ દિવસ સુધી વિધિ-વિધાનપૂર્વક પૂજા-અર્ચના કરે છે અને દસમા દિવસે પ્રતિમાનું વિસર્જન કરે છે.

જો તમે પણ આ વર્ષે તમારી ઓફિસમાં ગણેશજીની નવી મૂર્તિ લાવવાનું વિચારી રહ્યા છો, તો ખરીદી કરતાં પહેલાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી હિતાવહ છે. ધાર્મિક માન્યતાઓ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર મૂર્તિની પસંદગીની અસર ઓફિસના માહોલ પર પડે છે એવું મનાય છે. અહીં એવા કેટલાક મુદ્દા જણાવવામાં આવ્યા છે જે મૂર્તિ ખરીદતી વખતે ધ્યાનમાં રાખી શકાય.

સ્થાપનાની દિશા: ગણેશજીની મૂર્તિ હંમેશાં ઈશાન ખૂણામાં સ્થાપિત કરવી અને તેમનું મુખ ઉત્તર દિશા તરફ રાખવું જોઈએ એવું કહેવાય છે. પશ્ચિમ દિશામાં પણ ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવી શુભ માનવામાં આવે છે.

સૂંઢની દિશા: બાપ્પાની મૂર્તિ ઓફિસમાં લાવતી વખતે તેમની સૂંઢ ડાબી બાજુ વળેલી હોવી જોઈએ. આનાથી સુખ અને શાંતિ જળવાઈ રહે છે એવી માન્યતા છે.

બેઠેલી કે ઊભેલી મુદ્રા: ઘર માટે બેઠેલા ગણેશજીની અને ઓફિસ કે કાર્યસ્થળ માટે ઊભેલા ગણેશજીની મૂર્તિ લાવવી શુભ ગણાય છે.

સિંદૂરી રંગ: સિંદૂરી રંગની ગણેશ પ્રતિમા ખરીદવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાય છે એવી ધાર્મિક માન્યતા છે.

દક્ષિણ દિશાથી બચવું: ઘર કે દુકાનમાં ગણેશજીની સ્થાપના કરતી વખતે તેમનું મુખ દક્ષિણ દિશા તરફ ન રાખવું જોઈએ એવું કહેવાય છે.

શાંતિ માટે સફેદ મૂર્તિ: જ્યાં વારંવાર કલેશ થતો હોય તેવા ઘરો કે ઓફિસમાં સફેદ રંગની ગણેશ પ્રતિમા સ્થાપિત કરવી ઉત્તમ માનવામાં આવે છે.

એક જ પ્રતિમા: ઓફિસમાં માત્ર એક જ ગણેશ પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. એક કરતાં વધુ મૂર્તિઓ રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઘટે છે એવું વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે.

માટીની પ્રતિમા: પ્રતિમા કુદરતી પથ્થર કે માટીમાંથી બનેલી હોય તો તે વધુ શુભ ફળદાયી માનવામાં આવે છે. પર્યાવરણની દૃષ્ટિએ પણ માટીની મૂર્તિ યોગ્ય ગણાય છે.

સ્થાપના ક્યારે અને કેવી રીતે કરવી? ગણેશજીની પ્રતિમાની સ્થાપના બપોરના સમયે કરવી શુભ માનવામાં આવે છે. સ્થાપના દરમિયાન કળશની સ્થાપના કરવી. કળશમાં આંબાના કે નાગરવેલના પાન મૂકી તેના પર નાળિયેર પધરાવવું. નાળિયેર પર મૌલી અને સિંદૂર લગાવવાં. ત્યારબાદ લાકડાના બાજોઠ પર પીળું વસ્ત્ર પાથરીને ગણેશ પ્રતિમાને બિરાજમાન કરવી. બાપ્પા ઓફિસમાં હોય ત્યાં સુધી દરરોજ સવારે અને સાંજે ઘીનો દીવો પ્રગટાવી આરતી અને વિધિવત પૂજા કરવી.

નોંધ: અહીં આપવામાં આવેલી બાબતો ધાર્મિક આસ્થાઓ અને લોકમાન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખ પ્રસ્તુત કરવામાં આવ્યો છે.