ગાંધીનગર તાલુકાના દશેલા ગામના વતની હિરેન બાબુ આસોડિયાનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત થયું છે. 18 ઓક્ટોબરે થયેલા આ અકસ્માતમાં હિરેન સહિત ચાર લોકોના જીવ ગયા હતા. હિરેન છેલ્લા પાંચ વર્ષથી અભ્યાસ માટે કેનેડામાં રહેતો હતો.
અકસ્માતને એક સપ્તાહથી વધુ સમય થઈ ગયો છે, છતાં હિરેનનો મૃતદેહ ભારત ન પહોંચતાં પરિવારજનોની ચિંતા વધી રહી છે. પુત્રના મોતના સમાચારથી દશેલા ગામમાં રહેતો પરિવાર શોકમાં ગરકાવ છે. એક તરફ પુત્રને ગુમાવવાનું દુઃખ છે, તો બીજી તરફ અંતિમ દર્શન માટે મૃતદેહ વતન આવવાની રાહ જોવી પડી રહી છે.
હિરેનના પિતા બાબુ આસોડિયાએ જણાવ્યું કે, તેમનો પુત્ર છેલ્લા પાંચ વર્ષથી કેનેડામાં અભ્યાસ કરતો હતો. 18 ઓક્ટોબરે માર્ગ અકસ્માતમાં તેનું અવસાન થયું. કેનેડા સરકાર દ્વારા અકસ્માત અંગેની તપાસ ચાલી રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ મૃતદેહ ક્યારે વતન પહોંચશે તે અંગે અનિશ્ચિતતા છે.
બાબુ આસોડિયાએ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે, કેનેડા સરકાર સાથે તાત્કાલિક વાતચીત કરી જરૂરી પ્રક્રિયા ઝડપથી પૂરી કરાવવામાં આવે, જેથી પરિવાર પુત્રના અંતિમ દર્શન કરી શકે અને વતનમાં તેની અંતિમવિધિ કરી શકે.