સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર મતદાર યાદીમાં ભૂલ: બે નામ અન્ય લિપિમાં, કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે તપાસ માંગી

ગાંધીનગર મતદાર યાદીમાં ભૂલ: બે નામ અન્ય લિપિમાં, કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે તપાસ માંગી

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે તૈયાર કરાયેલી મતદાર યાદીમાં ગંભીર ભૂલ સામે આવી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે વોર્ડ નં. 8ના વિભાગ નં. 6/36માં મતદાર ક્રમાંક 717 અને 718ના નામ ગુજરાતી લિપિને બદલે દક્ષિણ ભારતીય ભાષાની લિપિમાં દર્શાવવામાં આવ્યા છે.

કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી રાજેશ ટી. સોનીએ જણાવ્યું છે કે, જે પાનામાં આ બંને નામ છે તેમાં બાકીની તમામ વિગતો ગુજરાતી લિપિમાં જ છે. એક જ પાનામાં માત્ર બે મતદારોના નામ અલગ લિપિમાં કેમ દર્શાવાયા તે અંગે પ્રશ્નો ઊભા થાય છે.

સોનીએ કહ્યું કે આ માત્ર સામાન્ય ટાઇપિંગની ભૂલ ગણીને અવગણી શકાય નહીં. મતદાર યાદી ચૂંટણી પ્રક્રિયાનો મહત્ત્વનો આધાર છે, તેથી યાદી તૈયાર થયા પછી તેની યોગ્ય ચકાસણી થઈ હતી કે નહીં તે અંગે પણ તેમણે સવાલ ઉઠાવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે એક જ પાનામાં આવી વિસંગતતા નજરે પડે છે, ત્યારે સમગ્ર મતદાર યાદીમાં આવી બીજી કોઈ ભૂલ રહી ગઈ છે કે નહીં તેની પણ ચકાસણી જરૂરી છે. હાલ આ એક જ કિસ્સો સામે આવ્યો છે અને અન્ય મતદાર યાદીઓની ચકાસણી હજુ બાકી છે.

કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે સમગ્ર મામલાની તપાસની માંગ કરી છે. સંબંધિત બંને મતદારોની મૂળ નોંધ સાથે વિગતોની ચકાસણી કરીને જરૂરી સુધારો કરવા તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાની સમગ્ર મતદાર યાદીનું પુનઃવેરિફિકેશન કરાવવાની માંગ પણ કરવામાં આવી છે.

સોનીએ જણાવ્યું કે મતદાર યાદીની ચોકસાઈ નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી માટે મહત્ત્વપૂર્ણ છે. તેથી યાદીમાં આવી વિસંગતતા સામે આવે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા તેની તપાસ કરીને જરૂરી સુધારા કરવા જોઈએ.