સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગરમાં રાજ્યનું પ્રથમ 12 માળનું સ્માર્ટ પોલીસ સ્ટેશન, પોલીસકર્મીઓને મળશે ફ્લેટ

ગાંધીનગરમાં રાજ્યનું પ્રથમ 12 માળનું સ્માર્ટ પોલીસ સ્ટેશન, પોલીસકર્મીઓને મળશે ફ્લેટ

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક ધોળાકુવા મેટ્રો રેલવે સ્ટેશન પાસે રાજ્યનું પ્રથમ 12 માળનું હાઈરાઈઝ સ્માર્ટ મોડલ ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન સહ રેસિડેન્સી બની રહ્યું છે. આ પ્રોજેક્ટમાં પોલીસ સ્ટેશનની સાથે પોલીસકર્મીઓ તેમના પરિવાર સાથે રહી શકે તે માટે ફ્લેટની સુવિધા પણ આપવામાં આવશે.

આ પ્રોજેક્ટ અંગે પ્રોજેક્ટ ડેવલપર દીપક સાંખલાએ જણાવ્યું કે, ગુજરાત પોલીસ હાઉસિંગ દ્વારા અંદાજે 20 કરોડના ખર્ચે આ હાઈટેક પોલીસ સ્ટેશન બની રહ્યું છે. બિલ્ડિંગના નીચેના ત્રણ માળમાં પોલીસ સ્ટેશન અને ઉપરના નવ માળમાં રેસિડેન્સી રહેશે. રેસિડેન્સીમાં 2BHK ફ્લેટ બની રહ્યા છે. ફ્લેટ સુધી જવા માટે અલગ સીડી અને લિફ્ટ હશે, જ્યારે પોલીસ સ્ટેશન માટે બે લિફ્ટ અને એક સીડી અલગ રાખવામાં આવી છે.

આશરે 30 હજાર ચોરસ ફૂટમાં બની રહેલા આ પ્રોજેક્ટનું 20 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આખો પ્રોજેક્ટ ડિસેમ્બરના અંત સુધીમાં તૈયાર કરીને વિભાગને સોંપવાનું આયોજન છે.

સ્માર્ટ મોડલ પોલીસ સ્ટેશન સોલાર સંચાલિત હશે. ગ્રાઉન્ડ ફ્લોર પર વાહન પાર્કિંગની સુવિધા રહેશે. પ્રથમ ત્રણ માળમાં પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગો કાર્યરત થશે, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટરની અલગ ઓફિસ, પોલીસ સ્ટેશન ઓફિસર (PSO) માટેની વ્યવસ્થા, પૂછપરછ માટેનો રૂમ, મુલાકાતીઓ માટે વેઇટિંગ એરિયા, રેકોર્ડ રૂમ, તપાસ સ્ટાફ માટેનો રૂમ, મીટિંગ રૂમ અને કાઉન્સેલિંગ રૂમનો સમાવેશ થાય છે. સમગ્ર બિલ્ડિંગ સીસીટીવીથી સજ્જ રહેશે.

પોલીસ સ્ટેશનના ત્રણ માળ પછીના નવ માળમાં લક્ઝુરિયસ 2BHK ફ્લેટ બનશે. દરેક ફ્લોર પર ચાર ફ્લેટનું નિર્માણ કરાશે. આ ફ્લેટમાં કિચન, ડ્રોઇંગ રૂમ, એટેચ બાથરૂમ સાથે માસ્ટર બેડરૂમ, એક વધારાનો રૂમ અને વિટ્રિફાઇડ ટાઇલ્સ ફ્લોરિંગ જેવી સુવિધાઓ હશે. આ ફ્લેટ એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને ફાળવવામાં આવશે.

બિલ્ડિંગના ટેરેસ પર સોલાર પેનલ્સ લગાવવામાં આવશે, જે સમગ્ર બિલ્ડિંગને વીજળી પૂરી પાડશે. પોલીસકર્મીઓના પરિવારો માટે ગાર્ડન અને બાળકોના રમત માટેનું સ્થળ બનાવવાનું પણ આયોજન છે, જે માટે પોલીસ સ્ટેશનની બાજુમાં જમીન ફાળવવા અલગ દરખાસ્ત કરવામાં આવશે.

હાલમાં ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન સેક્ટર 7માં શોપિંગ સેન્ટર પાસે કોમ્યુનિટી હોલની સામે કાર્યરત છે, જ્યારે સેક્ટર 7નું પોલીસ સ્ટેશન સેક્ટર 6માં કાર્યરત છે. આથી અરજદારોને અસમંજસનો સામનો કરવો પડે છે. ભૂતકાળમાં ઈન્ફોસિટી વિસ્તાર સેક્ટર 7 પોલીસ સ્ટેશનની હદમાં આવતો હતો. ન્યૂ ગાંધીનગરના વિકાસ અને વસતિના વધારાને કારણે અલગ ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું, પરંતુ વહીવટી કારણોસર તેને પોતાનું બિલ્ડિંગ મળી શક્યું ન હતું. ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ આ દિશામાં ધ્યાન આપીને દરખાસ્ત કરી, જેને સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ કામ ઝડપથી ચાલી રહ્યું છે.