સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર RTO કચેરીએ રિક્ષા-ટેક્સી ચાલકોનો હોબાળો, સરકારે માંગ્યો એક મહિનો

ગાંધીનગર RTO કચેરીએ રિક્ષા-ટેક્સી ચાલકોનો હોબાળો, સરકારે માંગ્યો એક મહિનો

ગાંધીનગરમાં વાહનવ્યવહાર કચેરી (RTO) ખાતે રિક્ષા-ટેક્સી યુનિયનના પ્રમુખો અને સરકારી અધિકારીઓ વચ્ચે પડતર પ્રશ્નો અંગે મહત્ત્વની બેઠક યોજાઈ હતી. પરંતુ બેઠકમાં કોઈ સંતોષકારક ઉકેલ ન આવતાં લગભગ 10,000 ચાલકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કચેરીનો ઘેરાવ કર્યો હતો.

હોબાળાને પગલે તંત્રે તાત્કાલિક ધોરણે ફરી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સફેદ નંબર પ્લેટવાળી ટુ-વ્હીલર ટેક્સી સામે આવતીકાલથી કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી છે. જ્યારે ભાડાં અને ઓનલાઈન કેબ સર્વિસના અમદાવાદમાં લાયસન્સ રદ કરવા અંગે ટ્રાન્સપોર્ટ કમિશનરે એક મહિનાનો સમય માંગ્યો છે.

યુનિયન પ્રમુખ ઈમરાન મન્સુરીના જણાવ્યા અનુસાર, સવારે હોબાળો મચ્યા બાદ સાંજે ફરી બેઠક બોલાવવામાં આવી હતી. જો નિર્ધારિત સમય બાદ પણ સંતોષકારક ઉકેલ નહીં આવે, તો વિવિધ યુનિયનો ફરીથી આંદોલન શરૂ કરશે.

અગાઉ 7થી 10 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં રિક્ષા તથા ટેક્સીચાલકોએ ખાનગી પાસિંગમાં ચાલતી ટુ-વ્હીલર ટેક્સી અને ઓછા ભાડાના મુદ્દે હડતાળ કરી હતી. તે સમયે પણ તંત્રે સમય માંગીને પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.

આજની બેઠકમાં વાહનવ્યવહાર કચેરી, ગાંધીનગર, રિક્ષા-ટેક્સી યુનિયન, આરટીઓ, ટ્રાન્સપોર્ટ કમિશનર અને ઓનલાઈન બુકિંગ એપ એગ્રિગેટરના સભ્યોએ ભાગ લીધો હતો.

રિક્ષા-ટેક્સી યુનિયનની મુખ્ય માંગણીઓમાં સફેદ નંબર પ્લેટવાળા વાહનોમાં ચાલતી ટુ-વ્હીલર ટેક્સી તુરંત બંધ કરાવવી, ઓનલાઈન બુકિંગ એપ પર સરકારના ધારાધોરણ મુજબ યોગ્ય ભાડું ચૂકવવામાં આવે અને ઓલા, ઉબર તથા રેપિડોનું અમદાવાદમાં લાયસન્સ રદ કરવું સામેલ છે.