ગાંધીનગરના સેક્ટર-૨૬માં રહેતા અને મૂળ વાવોલ ગામના વતની એવા પાટનગર યોજના વિભાગના નિવૃત્ત કર્મચારી રમેશભાઈ મોતીભાઈ પટેલની ચરેડી સ્થિત અવાવરુ સરકારી પ્લોટમાં દાતરડા જેવા ધારદાર હથિયારથી હત્યા કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રમેશભાઈ રોજની જેમ સરકારી પ્લોટમાં જઈને ખુરશી પર બેસી મોરને દાણા નાખતા હતા. ત્યારે જ કોઈ અજાણ્યા શખ્સે અચાનક આવીને તેમના પર દાતરડાથી જીવલેણ હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં રમેશભાઈ ખુરશીમાં ઢળી પડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. આ નિર્જન જગ્યાએ બનેલી ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ગુનાવાળી જગ્યાનું નિરીક્ષણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસ અને આસપાસના લોકોની પૂછપરછના આધારે પોલીસે શંકાના દાયરામાં આવેલા તે જગ્યાના ચોકીદારને રાઉન્ડઅપ કરીને તેની સઘન પૂછપરછ હાથ ધરી છે.
તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે કે રમેશભાઈ જે સ્થળે મોરને દાણા ખવડાવવા જતા હતા, ત્યાં ફરજ બજાવતા ચોકીદારના દીકરાના અભ્યાસના ખર્ચ માટે તેઓ આર્થિક મદદ કરતા હતા.
વળી આ ચોકીદારનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ સૂત્રો મુજબ જાણવા મળ્યું છે. જેમાં તેણે ભૂતકાળમાં પોતાની પત્નીની પણ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી શંકા સેવાઈ રહી છે કે આ હત્યા પાછળ પૈસાની લેવડ-દેવડ મુખ્ય કારણ હોઈ શકે છે.
મૃતક રમેશભાઈના પુત્ર અને પુત્રી હાલ ઓસ્ટ્રેલિયામાં રહે છે. તેઓ દરરોજ મોરને દાણા ખવડાવી એના વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હતા. ઘટના અંગે પુત્ર-પુત્રીને જાણ કરાઈ છે.
પુત્ર આવતીકાલે ગાંધીનગર પરત ફર્યા બાદ જ રમેશભાઈની અંતિમક્રિયા કરવામાં આવશે. હાલમાં સેક્ટર-૨૧ પોલીસે ચોકીદારની અટકાયત કરી હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને આ પાછળ અન્ય કોઈ કારણ કે વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.