સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર રેલવે સ્ટેશનમાં 5-સ્ટાર હોટલના પૂલમાંથી 4 મહિનાથી પાણી લીક, મુસાફરો પરેશાન

ગાંધીનગર રેલવે સ્ટેશનમાં 5-સ્ટાર હોટલના પૂલમાંથી 4 મહિનાથી પાણી લીક, મુસાફરો પરેશાન

ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન પર 5-સ્ટાર હોટલના સ્વિમિંગ પૂલમાંથી છેલ્લા ચાર મહિનાથી પાણી લીક થઈ રહ્યું છે. પ્લેટફોર્મ 1 પર લિફ્ટ તરફ જતા માર્ગ ઉપર આ પૂલ આવેલો છે. ત્યાંથી પડતા પાણીથી ફ્લોરિંગ પર કાદવ ભરાયો છે અને દુર્ગંધ ફેલાઈ છે. આ માર્ગનો ઉપયોગ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મુસાફરો કરે છે, જેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન દેશના પ્રથમ અદ્યતન સ્ટેશનોમાંનું એક છે, જેને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) ધોરણે રિડેવલપ કરવામાં આવ્યું હતું. આ સ્ટેશનની બરાબર ઉપર 5-સ્ટાર હોટલ બનાવવામાં આવી છે. વર્ષ 2021માં આખું સ્ટેશન અને અન્ય બાંધકામ નવું તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ ચાર વર્ષમાં જ પાણી ટપકવાની સમસ્યા સામે આવતાં બાંધકામની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થયા છે.

સ્ટેશનના કોંકોર્સ એરિયામાં ટિકિટ બારી પાસે મુસાફરો બેસે છે ત્યાં 20થી વધુ પંખા લગાવવામાં આવ્યા છે. પરંતુ તેમાંથી અડધાથી વધુ પંખા ઘણા મહિનાઓથી બંધ છે. લોકોના આક્ષેપ મુજબ, કોન્ટ્રાક્ટર દ્વારા વીજળીના વાયરોનું ફિટિંગ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી અને વાયરિંગમાં ગરબડ છે. ઇલેક્ટ્રિકલ વિભાગ, ઉચ્ચ અધિકારીઓની દેખરેખ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પછી પણ આ સ્થિતિ સર્જાતાં કામગીરીની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે.

આ સમગ્ર મામલે પુરાવારૂપ વીડિયો સાથે વિજિલન્સ વિભાગને પત્ર પાઠવીને કડક માંગણીઓ કરવામાં આવી છે. મુખ્ય માંગણીઓમાં નીચેના મુદ્દા સામેલ છે:

  • વિજિલન્સ તપાસ: આ કામગીરી કયા કોન્ટ્રાક્ટર દ્વારા અને કયા અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી તેની તાત્કાલિક તપાસ થાય.
  • નુકસાનીની વસૂલાત: છેલ્લા ચાર મહિનાથી થઈ રહેલા વોટર લીકેજ અને બંધ પંખાઓના કારણે થયેલા નુકસાનની રકમ જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ પાસેથી વસૂલવામાં આવે.
  • 15 દિવસમાં સ્થળ તપાસ: પ્રોજેક્ટની છબી ખરડાતી અટકાવવા 15 દિવસની અંદર સ્થળ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે રેલવે દ્વારા 'સ્વચ્છતા અભિયાન' અને 'સ્વચ્છતા પખવાડા' ચલાવવામાં આવે છે, ત્યારે સ્ટેશનની આ સ્થિતિને લીધે રેલવે બોર્ડના આદેશો અને પરિપત્રો કાગળ પર જ રહી ગયા હોય તેવું જણાય છે.