ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સિક્યોરિટીમાં ફરજ બજાવતા એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)એ પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના ગાંધીનગર પોલીસ બેડામાં ચર્ચાનું કારણ બની છે.
પોલીસમાંથી મળતી માહિતી મુજબ, સેક્ટર 27 પોલીસ લાઇનમાં રહેતા PSI તન્વીરસિંહ ઝાલાએ આ પગલું ભર્યું છે. ગોળી ચાલવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો અને સાથી કર્મચારીઓ તરત જ સ્થળ પર દોડી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું.
પોલીસે મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘટનાની તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની મદદ પણ લેવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં આત્મહત્યા પાછળ કૌટુંબિક કારણો કે અંગત પારિવારિક વિવાદ જવાબદાર હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જોકે પોલીસનું કહેવું છે કે આ હજુ માત્ર પ્રાથમિક અનુમાન છે.
મૃતક PSI છેલ્લા કેટલાક દિવસોથી માનસિક તણાવ કે પારિવારિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા કે કેમ તે અંગે પરિવારજનો, નજીકના મિત્રો અને સાથી કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આપઘાતનું સાચું કારણ ઊંડી તપાસ, સુસાઇડ નોટ મળી આવે તો અથવા ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.