ગાંધીનગરના સેક્ટર-3ડી વિસ્તારમાં રહેતી અને અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સમાં લોકરક્ષક કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી 28 વર્ષીય જ્હાનવીબેન અનિલભાઈ ડાભીએ 14 સપ્ટેમ્બરની રાત્રે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ ઘટનાથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, જ્હાનવીબેને રાત્રિની ડ્યુટી પૂરી કર્યા બાદ ગાંધીનગર સ્થિત પોતાના ઘરે પરત ફર્યા હતા. મોડી રાત સુધી તેઓ રૂમમાંથી બહાર ન આવતા પરિવારજનોને શંકા ગઈ હતી. પરિવારજનોએ દરવાજો ખખડાવ્યો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. ત્યારબાદ પાડોશીઓની મદદથી દરવાજો તોડીને અંદર જતાં જ્હાનવીબેન રૂમના પંખા સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃત મળી આવ્યા હતા.
પોલીસે મૃતદેહને નીચે ઉતારીને પંચનામાની કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. સેક્ટર-7 પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને મૃતકના પરિવારજનો, મિત્રો તથા સહકર્મીઓની પૂછપરછ કરી રહી છે, જેથી આપઘાત પાછળનું સાચું કારણ જાણી શકાય.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જ્હાનવીબેનના અગાઉ ડિવોર્સ થઈ ચૂક્યા હતા. જોકે, આટલી નાની વયે અને પોલીસ વિભાગ જેવી ગંભીર નોકરી સાથે જોડાયેલા મહિલા કર્મચારીએ આ પગલું કેમ ભર્યું, તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મૃતકને રીલ્સ બનાવવી અને સોશિયલ મીડિયા પર મૂકવાનો શોખ હતો, તેવું પણ સામે આવ્યું છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અને પોલીસની વિગતવાર તપાસ પૂર્ણ થયા બાદ જ આ મામલે વાસ્તવિક કારણો સામે આવી શકશે.