ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા નગરપાલિકા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. આ ઉપરાંત ખેરાલુ, છોટા ઉદેપુર અને બાયડ નગરપાલિકાની એક-એક બેઠક, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની એક બેઠક અને પડધરી તાલુકા પંચાયતની એક બેઠક માટે પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે.
ગાંધીનગર મહાનગરપાલિકામાં 11 વોર્ડની 44 બેઠકો માટે 130 ઉમેદવારો મેદાનમાં છે. આ ચૂંટણીમાં 1.32 લાખ પુરુષ અને 1.27 લાખ મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ભાજપ અને કોંગ્રેસે 44-44 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 32 બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. અન્ય પક્ષો અને અપક્ષ મળીને કુલ 130 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
પાટનગરમાં અત્યાર સુધી સરેરાશ 56 ટકા જેટલું મતદાન થતું આવ્યું છે. 2021ની ચૂંટણીમાં ભાજપનો વોટશેર 46.49 ટકા, કોંગ્રેસનો 28.02 ટકા અને આમ આદમી પાર્ટીનો 21.77 ટકા નોંધાયો હતો. આ ચૂંટણી ભાજપ માટે સત્તા જાળવી રાખવાનો સવાલ છે, તો કોંગ્રેસ માટે અસ્તિત્વ ટકાવવાની લડત છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની છેલ્લી ત્રણ ચૂંટણીઓનું પરિણામ જોઈએ તો, 2011માં કુલ 33 બેઠકોમાંથી ભાજપને 15 અને કોંગ્રેસને 18 બેઠકો મળી હતી. 2016માં 32 બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસને 16-16 બેઠકો મળી હતી. 2021માં 44 બેઠકોમાં ભાજપને 41, કોંગ્રેસને 2 અને આમ આદમી પાર્ટીને 1 બેઠક મળી હતી.
આજે સવારે 6 વાગ્યાથી મતદાન શરૂ થયું છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. પાટણ જિલ્લાની અડીયા તાલુકા પંચાયત અને મહેસાણા જિલ્લાની સતલાસણા તાલુકા પંચાયતમાં એક પણ ઉમેદવારે ફોર્મ ન ભર્યું હોવાથી ત્યાં ચૂંટણી યોજાશે નહીં.
ઓખા નગરપાલિકામાં 32 બેઠકો માટે 75 ઉમેદવારો અને થરા નગરપાલિકામાં 24 બેઠકો માટે 59 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.