ગાંધીનગરમાં ગુજરાત સમાચાર અને આદિત્ય બિરલા સનલાઇફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગથી રોકાણકાર શિક્ષણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સરગાસણ સ્થિત લા ક્રેસ્ટ રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ ખાતે યોજાયેલા આ સેમિનારનો હેતુ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ અંગે સચોટ અને ઉપયોગી માહિતી આપવાનો હતો.
સેમિનારમાં આદિત્ય બિરલા સનલાઇફ એએમસી લિમિટેડના ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુટર ડેવલપમેન્ટના ઝોનલ હેડ શૈલેન્દ્ર દિક્ષિતે જણાવ્યું કે રોકાણ શરૂ કરવા માટે મોટી રકમની જરૂર નથી. દર મહિને નાની રકમથી પણ રોકાણ શરૂ કરીને લાંબા ગાળે લક્ષ્ય મુજબ ભંડોળ ઊભું કરી શકાય છે. આ માટે એસઆઇપી (SIP) એટલે કે દર મહિને નક્કી કરેલી રકમનું રોકાણ કરવાનો વિકલ્પ લોકપ્રિય બની રહ્યો છે. ખાસ કરીને યુવાનો જો નાની ઉંમરથી રોકાણ શરૂ કરે અને લાંબા સમય સુધી ચાલુ રાખે તો ઓછા માસિક રોકાણથી પણ ભવિષ્યના લક્ષ્યો પૂરાં કરવાની તક મળી શકે છે.
મ્યુચ્યુઅલ ફંડની ખાસિયત એ છે કે તેમાં રોકાણના અલગ-અલગ વિકલ્પો એક જ જગ્યાએ મળે છે. શેરબજારમાં સીધું રોકાણ કરવાથી બજારની વધઘટનું જોખમ રહે છે, જ્યારે મિલકતમાં રોકાણ કરેલું નાણું જરૂર પડે ત્યારે તરત રોકડમાં ફેરવી શકાતું નથી. તેની સામે મ્યુચ્યુઅલ ફંડમાં ઇક્વિટી, ડેટ, હાઇબ્રિડ, ગોલ્ડ અને સિલ્વર જેવા વિકલ્પો ઉપલબ્ધ છે. રોકાણકાર પોતાની જરૂરિયાત અને જોખમ સહન કરવાની ક્ષમતા પ્રમાણે વિકલ્પ પસંદ કરી શકે છે. એસઆઇપીનો ફાયદો એ છે કે, બજારમાં તેજી કે મંદી હોય ત્યારે પણ દર મહિને રોકાણ ચાલુ રાખી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન એટલે કે સમયાંતરે નક્કી કરેલી રકમ ઉપાડવાની સુવિધા પણ છે. નિવૃત્ત વડીલો નિયમિત આવક માટે હાઇબ્રિડ ફંડમાંથી સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાનનો વિકલ્પ ધ્યાનમાં લઈ શકે છે. ભારતમાં આશરે છ કરોડ પાનધારકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે.
સેમિનારમાં પેનલ ચર્ચા દરમિયાન આદિત્ય બિરલા સનલાઇફ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના નોર્થ ગુજરાતના ક્લસ્ટર હેડ ભાવિન શાહ અને દર્શિત ફિનસર્વના કો. ફાઉન્ડર અને સીઇઓ રૂચિર ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. આ નિષ્ણાતોએ ઉપસ્થિત તમામ સહભાગીઓના રોકાણ સંબંધી પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપીને સાચી દિશા પૂરી પાડી હતી. બજારની અફવાઓ વચ્ચે યોગ્ય નિર્ણય લેવો, યુવાનો અને ગૃહિણીઓ માટે રોકાણ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મહત્ત્વના મુદ્દાઓ તથા શું કરવું અને શું ન કરવું તેની વિસ્તૃત ચર્ચા થઇ હતી.