ગાંધીનગર મહાનગરપાલિકાની 11 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરી દીધા છે. ઉમેદવારોના સોગંદનામામાંથી જાહેર થયેલી માહિતી પ્રમાણે, આ ચૂંટણીમાં ધનાઢ્ય ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. પાંચ ઉમેદવારો પાસે રાજ્ય મંત્રીમંડળના સભ્યો કરતાં પણ વધુ સંપત્તિ હોવાનું જાણવા મળે છે.
વોર્ડ નંબર 11ના ભાજપના ઉમેદવાર અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન જશવંતલાલ પટેલ તથા તેમના પરિવાર પાસે અંદાજે 244 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ગાંધીનગરના ભાટ અને રૂપાલ વિસ્તારમાં તેમની પાસે ખેતી અને બિનખેતીની જમીનો છે, જેની અંદાજિત કિંમત 200 કરોડ રૂપિયા છે. તેમની પાસે 75 તોલા સોનું, 7 કિલો ચાંદી તેમજ વોલ્વો, વોક્સવેગન ટાઇગુન અને હોન્ડા આઈ-20 કારનો કાફલો છે.
વોર્ડ નંબર 10ના ઉમેદવાર 57 વર્ષીય ગૌરાંગ પટેલ અને તેમના પત્ની વિવિધ બેંક ખાતામાં કરોડોની થાપણો ધરાવે છે. ધોરણ 9 સુધી અભ્યાસ કરનાર ગૌરાંગ પટેલ પાસે રેન્જ રોવર, ઇનોવા અને BMW જેવી લક્ઝરી કાર તેમજ 5.40 કરોડ રૂપિયાનો બંગલો અને ફાર્મહાઉસ છે.
વોર્ડ નંબર 1ના ઉમેદવાર અને શિક્ષાપત્રી ગ્રુપના બિલ્ડર મહેશ ચૌધરી (વિષ્ણુ-મેટ્રો) પાસે મર્સિડીઝ, ફોર્ચ્યુનર, ઇનોવા અને XUV સહિતની લક્ઝરી કાર છે. તેમની બધી કારના નંબર 0002 છે. તેમની અને તેમના પત્ની પાસે 97 તોલા સોનું, 3.5 કિલો ચાંદી, તારાપુર અને રાંદેસણ જેવા વિસ્તારોમાં કરોડોની એન.એ. જમીનો તથા વાણિજ્યિક મિલકતો છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી સહિત 26 મંત્રીઓમાંથી 20 મંત્રીઓ પાસે 10 કરોડ રૂપિયાથી ઓછી સંપત્તિ છે. અગાઉના મંત્રીમંડળમાં બળવંતસિંહ રાજપૂત 324 કરોડની સંપત્તિ સાથે સૌથી ધનાઢ્ય મંત્રી હતા, જ્યારે નવા મંત્રીમંડળમાં તેમને સ્થાન ન મળતાં રિવાબા જાડેજાએ તેમનું સ્થાન લીધું છે. આથી નવા મંત્રીમંડળની સરેરાશ સંપત્તિ 30 કરોડથી ઘટીને 11 કરોડ થઈ ગઈ છે.