સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર મનપા ચૂંટણી આજે: 44 બેઠકો માટે 295 મથકો પર મતદાન, 2.59 લાખ મતદારો નક્કી કરશે ભાવિ

ગાંધીનગર મનપા ચૂંટણી આજે: 44 બેઠકો માટે 295 મથકો પર મતદાન, 2.59 લાખ મતદારો નક્કી કરશે ભાવિ

ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે આજે રવિવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. કુલ 295 મતદાન મથકો પર 2.59 લાખ મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

ચૂંટણી શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે સંપન્ન થાય તે માટે 1,570થી વધુ પોલિંગ સ્ટાફને કામગીરી સોંપવામાં આવી છે. દરેક મતદાન મથક પર પાંચ સભ્યોની ટીમો તૈનાત રહેશે. આકસ્મિક જરૂરિયાત માટે 15 ટકા તાલીમબદ્ધ અવેજી સ્ટાફ ડિસ્પેચિંગ સેન્ટર પર હાજર રાખવામાં આવ્યો છે. ટેકનિકલ ખામી સર્જાય તો ત્વરિત બદલી શકાય તે માટે વોર્ડ વાઈઝ 10 ટકા ઈવીએમ મશીનો રિઝર્વ રાખવામાં આવ્યા છે.

ગાંધીનગર મહાનગરપાલિકા સાથે ઓખા નગરપાલિકાની નવ વોર્ડની 32 બેઠકો અને થરા નગરપાલિકાના છ વોર્ડની 24 બેઠકો માટે પણ સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે.

ભાજપ અને કૉંગ્રેસે 44-44 બેઠકો પર ઉમેદવારો ઉભા કર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 32, બસપાએ 2 અને 8 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા પોલીસ વડાના સીધા સુપરવિઝનમાં 6 DySP, 15 PI, 40 PSI, 580 પોલીસ જવાનો, 350 હોમગાર્ડ જવાનો અને SRPની 3 પ્લાટુન બંદોબસ્ત સંભાળશે. કુલ 295 મતદાન મથકો પૈકી 90 મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં વિશેષ સુરક્ષા ગોઠવાઈ છે.

સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની દેખરેખ માટે 5 ચૂંટણી અધિકારી અને 5 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે.

મતદાન કરવા માટે મતદારે મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ કરવું પડશે. જો ચૂંટણી કાર્ડ ઉપલબ્ધ ન હોય તો રાજ્ય ચૂંટણી આયોગે માન્ય કરેલા વૈકલ્પિક ઓળખપત્રો દ્વારા પણ મતદાન કરી શકાશે. મતદારો પોતાનું મતદાન મથક અગાઉથી જાણવા માટે રાજ્ય ચૂંટણી આયોગની સત્તાવાર વેબસાઇટ sec.gujarat.gov.in અથવા secsearch.gujarat.gov.in ની મુલાકાત લઈ શકે છે.