સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર મનપા ચૂંટણી: 44 બેઠકો પર આજે મતદાન, ગરબા સમયને લઈને ભાજપ-કોંગ્રેસ આમને-સામને

ગાંધીનગર મનપા ચૂંટણી: 44 બેઠકો પર આજે મતદાન, ગરબા સમયને લઈને ભાજપ-કોંગ્રેસ આમને-સામને

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. શહેરના 11 વોર્ડની 44 બેઠકો માટે આજે મતદાન યોજાશે. વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે અને 295 મતદાન મથકો પર ચૂંટણી પ્રક્રિયા આખરી તબક્કામાં પહોંચી છે.

ગાંધીનગરના સેક્ટર-15 સ્થિત સરકારી વાણિજ્ય કૉલેજ ખાતે ડિસ્પેચિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. અહીંથી 39 વિશેષ બસો દ્વારા 11 વોર્ડના મતદાન મથકો સુધી EVM, મતદાન કુટિર અને જરૂરી ચૂંટણી સાહિત્ય સાથે પોલિંગ સ્ટાફ રવાના કરવામાં આવશે. મતદાન શાંતિપૂર્ણ અને ન્યાયી રીતે સંપન્ન થાય તે માટે આશરે 1,570 કર્મચારીઓ ફરજ બજાવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

ટેકનિકલ ખામીઓ સામે પગલાં તરીકે 10 ટકા EVM મશીનો રિઝર્વ રાખવામાં આવ્યા છે, જ્યારે 15 ટકા તાલીમબદ્ધ સ્ટાફ આકસ્મિક સ્થિતિ માટે સ્ટેન્ડબાય રખાયો છે. વોર્ડ નંબર 6ના 17 મતદાન મથકો પર ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી બે-બે બેલેટ યુનિટ ફાળવવામાં આવ્યા છે. તમામ EVMનું મોક પોલ, ટેસ્ટિંગ અને સીલિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે.

બીજી તરફ, નવરાત્રિમાં ગરબાના સમયગાળા અને સનાતન ધર્મના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીખા વાકપ્રહાર થઈ રહ્યા છે.

ભાજપના ગાંધીનગર શહેર અધ્યક્ષ ડૉ. આશિષ દવેએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે દેશની જનતા સનાતન ધર્મમાં માને છે અને શક્તિની આરાધના કરવાનો સૌને અધિકાર છે. ભૂતકાળમાં પણ નવરાત્રિમાં ગરબાનો સમય વધારવાનો પ્રસંગ આવ્યો ત્યારે કેટલાક તત્વોએ વિરોધ કર્યો હતો. ગાંધીનગર મનપાના પ્રચાર દરમિયાન પણ કેટલાક લોકોએ આવો જ સૂર વ્યક્ત કર્યો હતો, જેને ગાંધીનગરની જનતા ક્યારેય માફ નહીં કરે.

કોંગ્રેસના મહાનગરપાલિકા ચૂંટણી પ્રભારી જગત શુક્લાએ પલટવાર કરતા કહ્યું કે નવરાત્રિમાં ગરબા ક્યાં સુધી ચાલુ રાખવા તેની સત્તા કોર્પોરેટરો પાસે હોતી નથી. સનાતન ધર્મમાં નવરાત્રિનું શું મહત્વ છે તે જનતા સારી રીતે જાણે છે, તેથી ભાજપે લોકોને ગુમરાહ કરવાનું બંધ કરવું જોઈએ. તેમણે ઉમેર્યું કે માલધારી સમાજની સભામાં નાયબ મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસના ઉમેદવારો જીતશે તો રાત્રે 12:00 વાગ્યા પહેલા ગરબા બંધ કરાવી દેશે, જે માત્ર આરોપબાજી છે.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આજે યોજાશે અને આ ચૂંટણી શહેરના 11 વોર્ડની 44 બેઠકો માટે છે.