સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર મનપા ચૂંટણીમાં 59.25% મતદાન, 1 લાખથી વધુ મતદારો ઘરે જ રહ્યા

ગાંધીનગર મનપા ચૂંટણીમાં 59.25% મતદાન, 1 લાખથી વધુ મતદારો ઘરે જ રહ્યા

ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ ઓછો રહ્યો હતો. ચૂંટણી તંત્રના આંકડા મુજબ સરેરાશ 59.25 ટકા મતદાન નોંધાયું હતું, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓછું ગણાય છે. આંકડા પ્રમાણે, એક લાખથી વધુ મતદારોએ મતદાન કર્યું નથી.

શહેરના તમામ 11 વોર્ડમાં આવેલા કુલ 269 મતદાન મથકો પર સવારે પ્રક્રિયા શરૂ થઈ હતી, પરંતુ શરૂઆતના કલાકોથી જ મતદાન મથકો પર ભીડ જોવા મળી નહોતી. સવારે 7થી 9 વાગ્યા સુધીના પ્રથમ બે કલાકમાં માત્ર 5.80 ટકા મતદાન થયું હતું. બપોરે 11 વાગ્યા સુધીમાં પણ આ આંકડો 18.24 ટકા સુધી જ પહોંચી શક્યો હતો.

રાજકીય પક્ષો અને ચૂંટણી તંત્રને દિવસ આગળ વધતાં મતદાનનો ગ્રાફ વધશે તેવી ધારણા હતી, જે સાચી પડી નહીં. બપોરના સમયની ગરમી તેમજ નવરાત્રિ પર્વના પ્રારંભની અસર પણ મતદાન પર જોવા મળી હતી. તહેવારની તૈયારીઓમાં વ્યસ્ત લોકોએ મતદાન મથક સુધી પહોંચવાનું ટાળ્યું હોવાનું મનાય છે.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિવિધ વોર્ડમાં નાના-મોટા છમકલા બન્યા હતા. તકનીકી ખામી સર્જાવાને કારણે વોર્ડ નંબર 1, 2, 6 અને 10માં ચાર EVM બદલવા પડ્યા હતા.

ઓછું મતદાન રાજકીય પક્ષોના સમીકરણો બદલી શકે છે, કારણ કે કયો વર્ગ મતદાન મથકે પહોંચ્યો અને કયો વર્ગ ઘરે રહ્યો, તેના પર પરિણામ નિર્ભર રહેશે.