ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે શનિવારે ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો. કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત ખાતે ઉમેદવારો તથા તેમના ટેકેદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ)ના ઉમેદવારો સવારથી જ નામાંકન માટે પહોંચી ગયા હતા.
ચૂંટણી પંચની ગોઠવણ મુજબ, 11 વોર્ડના ઉમેદવારી પત્રો બે જગ્યાએ સ્વીકારાયા હતા. વોર્ડ નંબર 1 થી 4ના પત્રો જિલ્લા પંચાયત કચેરીમાં અને વોર્ડ નંબર 5 થી 11ના પત્રો જિલ્લા કલેક્ટર કચેરીમાં જમા થયા હતા.
ભાજપના ઉમેદવારોએ ઢોલ-નગારા સાથે રેલી કાઢીને નામાંકન કરાવ્યું હતું. દરેક વોર્ડની પેનલના ચારેય ઉમેદવારો સાથે આવ્યા હતા. તેમણે સરકાર અને મહાનગરપાલિકાના વિકાસકાર્યોના આધારે જનતા સમક્ષ જવાની અને મોટા બહુમતીથી જીતવાની આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસના ઉમેદવારોએ લોકોના રોજિંદા પ્રશ્નો અને સ્થાનિક સમસ્યાઓને મુદ્દો બનાવીને ચૂંટણી લડવાની તૈયારી બતાવી હતી. પક્ષે એવો દાવો પણ કર્યો હતો કે તેમનો એક પણ ઉમેદવાર પક્ષપલટો નહીં કરે.
છેલ્લા દિવસે એક ચર્ચાસ્પદ રાજકીય ઘટના સામે આવી હતી. કેટલાક વોર્ડમાં કોંગ્રેસને ઉમેદવારો શોધવામાં મુશ્કેલી પડી હતી. તેના પગલે, 'આપ' દ્વારા અગાઉ જાહેર થયેલા કેટલાક ઉમેદવારોએ કોંગ્રેસના મેન્ડેટ પરથી ફોર્મ ભરી દીધા હતા.
આપની 19મી તારીખની પ્રથમ યાદીમાં વોર્ડ નંબર 5માંથી જીતેન્દ્ર ધરવાડીયાનું નામ આવ્યું હતું. પછી 22મી તારીખની બીજી યાદીમાં તે જ વોર્ડમાંથી જય વાઘેલાનું નામ જાહેર થયું હતું. આ બંને ઉમેદવારોએ છેલ્લા દિવસે 'આપ'ના બદલે કોંગ્રેસના મેન્ડેટ પરથી નામાંકન નોંધાવ્યું હતું.
આ કારણે આમ આદમી પાર્ટીના 44ને બદલે 42 ઉમેદવારી પત્રો ભરાયા હતા. ચૂંટણી પંચના આંકડા મુજબ, ડમી ઉમેદવારો સહિત ભાજપના 85, કોંગ્રેસના 54 અને 16 અપક્ષ ઉમેદવારોએ નામાંકન કરાવ્યું છે. 11 વોર્ડ માટે કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા છે. સૌથી વધુ 25 ફોર્મ વોર્ડ નંબર 4માંથી ભરાયા છે.
હવે 28 સપ્ટેમ્બરના રોજ આ તમામ ઉમેદવારી પત્રોની સત્તાવાર ચકાસણી હાથ ધરવામાં આવશે.