ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ શનિવારે હતો. મુખ્ય રાજકીય પક્ષો, અપક્ષ અને ડમી ઉમેદવારો મળીને કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા છે. 28 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે.
આમ આદમી પાર્ટી (AAP)એ 44ને બદલે 42 ઉમેદવારી પત્રો ભર્યા છે. ભાજપે ડમી સહિત 85, કોંગ્રેસે 54 અને 16 અપક્ષ ઉમેદવારોએ નામાંકન કરાવ્યું છે. સૌથી વધુ 25 ઉમેદવારી પત્રો વોર્ડ નંબર 4માં ભરાયા છે.
દરમિયાન, કોંગ્રેસને પોતાના ઉમેદવારો તૂટવાનો ભય છે. પક્ષે ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું શરૂ કર્યું છે. ઉમેદવારી પરત ખેંચવાની સમયમર્યાદા પૂરી ન થાય ત્યાં સુધી ઉમેદવારોને બહાર રાખવામાં આવશે. કોંગ્રેસના આગેવાનોએ તમામ ઉમેદવારોને અલગ-અલગ સ્થળોએ ખસેડ્યા છે. આ જવાબદારી ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીને સોંપાઈ છે.
બીજી તરફ, ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારોને ક્યાંય લઈ જવાયા નથી. તેઓ સ્વેચ્છાએ પરિવાર સાથે અજ્ઞાત સ્થળે ગયા છે.