સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર મનપા ચૂંટણી: 11 ઓક્ટોબરે મતદાન, 13 ઓક્ટોબરે પરિણામ, આચારસંહિતા લાગુ

ગાંધીનગર મનપા ચૂંટણી: 11 ઓક્ટોબરે મતદાન, 13 ઓક્ટોબરે પરિણામ, આચારસંહિતા લાગુ

રાજ્ય ચૂંટણી પંચે ગાંધીનગર મહાનગરપાલિકા, થરા અને ઓખા નગરપાલિકાની ચૂંટણી તેમજ અન્ય પેટાચૂંટણીઓનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા તાત્કાલિક અસરથી લાગુ થઈ ગઈ છે.

આ ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે 27 ટકા અનામત રોટેશનના ધોરણે લાગુ કરવામાં આવી છે.

ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ, 21 સપ્ટેમ્બરે સત્તાવાર જાહેરનામું બહાર પડશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 26 સપ્ટેમ્બર છે. 28 સપ્ટેમ્બરે ફોર્મની ચકાસણી થશે અને 29 સપ્ટેમ્બરે ઉમેદવારો પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે.

નવરાત્રીના પ્રથમ નોરતે, એટલે કે 11 ઓક્ટોબરે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. જરૂર પડ્યે 12 ઓક્ટોબરે પુનઃમતદાન કરાશે. મતગણતરી 13 ઓક્ટોબરે સવારે 9 વાગ્યાથી શરૂ થશે.

ગાંધીનગર મહાનગરપાલિકાના 2,59,443 મતદારો સહિત કુલ 3,52,653 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પ્રક્રિયા માટે 413 મતદાન મથકો ઉપર આશરે 2,200 કર્મચારીઓ અને 1,300 પોલીસકર્મીઓ તૈનાત રહેશે. મતદાન EVM દ્વારા થશે અને મતદારો ચૂંટણી પંચે માન્ય કરેલા 14 ઓળખપત્રોમાંથી કોઈ એક રજૂ કરીને મત આપી શકશે.

વિધાનસભા ચૂંટણી 2027 પહેલાં યોજાઈ રહેલી આ સ્થાનિક ચૂંટણી સામે રાજકીય પક્ષો માટે મહત્વની પરીક્ષા ગણાઈ રહી છે.