ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ છે. પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ સ્પષ્ટ બહુમતી મેળવી છે. કુલ 44 બેઠકોમાંથી ભાજપે 38 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસને 5 અને એક બેઠક અપક્ષ ઉમેદવારને મળી છે. આ જીત સાથે ભાજપે મહાનગરપાલિકામાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.
જોકે, કેટલાક વોર્ડમાં પરિણામોએ રાજકીય સમીકરણો બદલી નાખ્યાં છે. વોર્ડ નંબર 6માં કોંગ્રેસે ચારેય બેઠકો પર જીત મેળવીને આખી પેનલ વિજયી બનાવી છે. આ વોર્ડમાં કોંગ્રેસના હંસાબેન નીનામા, મેઘનાબેન, મેહુલકુમાર રાઠોડ અને કર્મજીતસિંહ વાઘેલા વિજયી થયા છે. ભાજપ માટે આ વોર્ડનું પરિણામ ઝટકો મનાય છે.
વોર્ડ નંબર 2 અને 7માં પણ ભાજપની પેનલ તૂટી છે. વોર્ડ નંબર 7માં કોંગ્રેસના નગીનભાઈ નાડિયાએ જીત મેળવી છે, જ્યારે વોર્ડ નંબર 2માં અપક્ષ ઉમેેદવાર દીપિકાબા વાઘેલાએ વિજય મેળવ્યો છે.
આમ, ભાજપે સમગ્ર મહાનગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી મેળવી હોવા છતાં કેટલાક વોર્ડમાં સ્થાનિક પરિબળોએ અન્ય ઉમેદવારોને પ્રભાવ સ્થાપિત કરવાનો મોકો આપ્યો છે.