સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર મનપામાં ભાજપનું પ્રભુત્વ યથાવત, ઓખા-થરામાં પણ વિજય; પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને AAPને સફળતા

ગાંધીનગર મનપામાં ભાજપનું પ્રભુત્વ યથાવત, ઓખા-થરામાં પણ વિજય; પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને AAPને સફળતા

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે. વોર્ડ નં. ૧, ૩, ૫, ૭ અને ૯માં ભાજપની પેનલ અકબંધ રહી છે. જાહેર થયેલા પરિણામો અનુસાર વોર્ડ નં. ૩, ૫, ૭ અને ૯માં ભાજપના તમામ ઉમેદવારોએ જીત મેળવી છે.

વોર્ડ નં. ૩માં મિતલબેન, સોનાલીબેન પટેલ, અંકિત બારોટ અને ઉમેશ જ્હાં વિજયી થયા છે. વોર્ડ નં. ૫માં હેમાબેન ભટ્ટ, ધ્વનિ શાહ, કનૈયા દેસાઈ અને કિંજલકુમાર પટેલે જીત મેળવી છે. વોર્ડ નં. ૭માં કિંજલબેન ઠાકોર, સોનલબા વાઘેલા, ભાવિક સુતરિયા અને શૈલેષકુમાર પટેલ વિજયી થયા છે, જ્યારે વોર્ડ નં. ૯માં શારદાબેન ઠાકોર, વૈદિહી રાવલ, જયંતિભાઈ ડાભી અને મહેન્દ્રભાઈ પટેલે જીત મેળવી છે.

ગાંધીનગરમાં ભાજપની આ સફળતા પાછળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની રણનીતિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની છબી, શહેર ભાજપ પ્રમુખ આશિષ દવેની મહેનત તેમજ ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને રીટાબેન પટેલના પ્રયાસોની ચર્ચા થઈ રહી છે.

ઓખા નગરપાલિકાના વોર્ડ નં. ૧ અને ૨માં ભાજપની પેનલનો વિજય થયો છે. વોર્ડ નં. ૪માં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. થરા નગરપાલિકાના વોર્ડ નં. ૧માં પણ ભાજપની આખી પેનલના ચારેય ઉમેદવારો વિજયી થયા છે.

પેટાચૂંટણીમાં પડધરી તાલુકા પંચાયતની થોરીયાળી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મણભાઈ શિંગાળાએ જીત મેળવી છે. આ સાથે કોંગ્રેસ બેઠક જાળવવામાં સફળ રહી છે. બીજી તરફ, દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર બેઠક પર આમ આદમી પાર્ટીના વિરૂભાઈ કંડોરિયાનો વિજય થયો છે. છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નં. ૪ની પેટાચૂંટણીમાં ભાજપનાં રજનીબેન રાઠવાએ પણ જીત મેળવી છે.