સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર મનપા ચૂંટણી: AAPએ 23 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ત્રિપાંખિયો જંગ નિશ્ચિત

ગાંધીનગર મનપા ચૂંટણી: AAPએ 23 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ત્રિપાંખિયો જંગ નિશ્ચિત

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. મનપાના 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે. આ ચૂંટણી પહેલા AAPએ પોતાની પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં 44માંથી 23 ઉમેદવારોના નામ સામેલ છે.

AAPએ વોર્ડ નં. 6ના ચારેય ઉમેદવારો જાહેર કર્યા છે, જ્યારે વોર્ડ નં. 2, 3 અને 9ના ત્રણ-ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. વોર્ડ નં. 1, 5, 7, 10 અને 11 માટે બે-બે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

આ યાદીનું સૌથી ચર્ચાસ્પદ પાસું એ છે કે પાર્ટીએ પહેલીવાર ટ્રાન્સજેન્ડર ઉમેદવારને ટિકિટ આપી છે. ગાંધીનગર મહાનગરપાલિકાના ચૂંટણી ઇતિહાસમાં પ્રથમ વખત કિન્નર સમુદાયના સભ્ય જય પારેખ, જે ‘એન્જલ માસી’ તરીકે ઓળખાય છે, તેમને AAP તરફથી વોર્ડ નં. 10માંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા 21 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 26 સપ્ટેમ્બર તેની અંતિમ તારીખ રહેશે.

ઉલ્લેખનીય છે કે 2021માં યોજાયેલી ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીમાં પણ ત્રિપાંખિયો જંગ હતો. ત્યારે કોંગ્રેસ અને AAP વચ્ચે મત વિભાજન થવાને કારણે ભાજપને 44માંથી 41 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને 2 અને AAPને 1 બેઠક મળી હતી. તે ચૂંટણીમાં AAPને 20 ટકાથી વધુ મત મળતાં કોંગ્રેસને મોટું નુકસાન થયું હતું.

આ વખતે ભાજપે પણ ચૂંટણી માટે જોરદાર તૈયારીઓ શરૂ કરી છે. પાર્ટીએ મંત્રી ઋષિકેશ પટેલને ચૂંટણી પ્રભારી બનાવ્યા છે, તેમજ ધારાસભ્ય અમિત શાહ સહિતના નેતાઓને ચૂંટણીનો પ્રભાર સોંપ્યો છે.