ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી-2026 માટે આમ આદમી પાર્ટી (AAP)એ પોતાની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરી છે. પાર્ટીએ કુલ 44 બેઠકોમાંથી 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં વોર્ડ નંબર 1થી 11 સુધીના ઉમેદવારોનો સમાવેશ થાય છે. બાકીના ઉમેદવારોના નામ આગામી દિવસોમાં જાહેર થવાની શક્યતા છે.
AAP ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ રાષ્ટ્રીય અને પ્રદેશ ચૂંટણી સમિતિ સાથેની ચર્ચા બાદ આ યાદી જાહેર કરી હતી.
વોર્ડ નંબર 1માંથી બળદેવભાઈ પટેલ અને વિજયસિંહ આર. વાઘેલાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વોર્ડ નંબર 3માંથી શ્રેયા બકુલકુમાર મકવાણા, પિંકી રાજપૂત અને ભરતભાઈ જોશીને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 5માંથી પાર્વતીબેન નાગરભાઈ અને જીતેન્દ્ર ધરવાટર્યાના નામ છે.
વોર્ડ નંબર 6ની ચારેય બેઠકો પર AAPએ ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં પાર્વતીબેન વસાવા, સોનાબેન પટ્ટણી, તુષાર પારેખ અને હેમાભાઈ ભાલોટર્યાનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર 7માંથી રાહુલ વાઘેલા અને સુરેશ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
વોર્ડ નંબર 8માંથી દેવયાની રાઠોડ અને ધર્મેશભાઈ ઠાકોર સહિતના નામ જાહેર થયા છે, જ્યારે વોર્ડ નંબર 9માંથી ગૌતમભાઈ પરમાર સહિતના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. વોર્ડ નંબર 10માંથી ‘એન્જલ માસી’ તરીકે જાણીતા પારેખ જયને અને ડૉ. હાર્દિક વિ. ત્રિવેદીને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 11માંથી કૈલાશબેન પરમાર અને રાજેશ્વરીબેન સોલંકીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
AAPની પ્રથમ યાદીમાં હાર્દિક તલાટી, ભરત જોશી અને વર્તમાન કોર્પોરેટર તુષાર પરીખનો પણ સમાવેશ થાય છે. આ ત્રણેય અગાઉની ચૂંટણીમાં AAP તરફથી મેદાનમાં ઉતર્યા હતા. પાર્ટીએ જૂના અને સંગઠન સાથે જોડાયેલા ઉમેદવારોને ફરી તક આપી છે.
ઉમેદવારોની યાદી જાહેર કરતી વખતે AAPના નેતાઓએ 2021ની ગાંધીનગર મનપા ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કર્યો હતો. પાર્ટીના જણાવ્યા મુજબ, અગાઉની ચૂંટણીમાં AAPને એક બેઠક મળી હતી અને આશરે 20 ટકાથી વધુ મત મળ્યા હતા. એક જ કોર્પોરેટર હોવા છતાં મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવી હોવાનો પાર્ટીએ દાવો કર્યો હતો.
આગામી ચૂંટણીમાં AAP પીવાનું પાણી, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને શિક્ષણ જેવા સ્થાનિક મુદ્દાઓને લઈને મતદારો વચ્ચે જશે. પાર્ટીએ ખાસ કરીને શિક્ષણને મહત્વના મુદ્દા તરીકે રજૂ કર્યો છે.
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે 21 સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે, જ્યારે 26 સપ્ટેમ્બર ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ રહેશે. AAPની પ્રથમ યાદી જાહેર થતાં ગાંધીનગર મનપા ચૂંટણીનો રાજકીય માહોલ ગરમાયો છે.