સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર મનપા ચૂંટણી: 44 બેઠકો માટે 130 ઉમેદવારો, એક પણ બેઠક બિનહરિફ નહીં

ગાંધીનગર મનપા ચૂંટણી: 44 બેઠકો માટે 130 ઉમેદવારો, એક પણ બેઠક બિનહરિફ નહીં

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ પૂરી થતાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે 11 વોર્ડની 44 બેઠકો માટે 130 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. મહત્વનું એ છે કે એક પણ બેઠક બિનહરિફ થઈ નથી, એટલે કે તમામ બેઠકો પર મતદાન થશે.

ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની પ્રક્રિયામાં કુલ આઠ ઉમેદવારોએ તેમના ફોર્મ પરત ખેંચ્યા છે. જેમાં પાંચ આમ આદમી પાર્ટીના અને ત્રણ અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ પછી, 44 પૈકી 36 બેઠકો પર ત્રિપાંખિયો જંગ જામશે.

વોર્ડવાર વિગતો જોઈએ તો, વોર્ડ નંબર 1માંથી આમ આદમી પાર્ટીના બે અને એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચાયું છે. વોર્ડ નંબર 2માં એક આમ આદમી પાર્ટી અને એક અપક્ષનું ફોર્મ પરત ખેંચાયું છે. વોર્ડ નંબર 3 અને 4માં આમ આદમી પાર્ટીના એક-એક ફોર્મ પાછા ખેંચાયા છે, જ્યારે વોર્ડ નંબર 6માં એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાયું છે.

બીજી તરફ, કોંગ્રેસના તમામ ઉમેદવારો અકબંધ રહેતાં પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છે. ઉમેદવારોને સલામત સ્થળે ખસેડવાની કોંગ્રેસની રણનીતિ કારગત સાબિત થઈ છે.