સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર સહિત ચાર નગરપાલિકાની ચૂંટણી 11 ઓક્ટોબરે, 13મીએ મતગણતરી

ગાંધીનગર સહિત ચાર નગરપાલિકાની ચૂંટણી 11 ઓક્ટોબરે, 13મીએ મતગણતરી

ગાંધીનગર મહાનગરપાલિકા, થરા, ભાણવડ અને ઓખા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. આ ચારેય સ્થાનિક સંસ્થાઓમાં નવરાત્રિના પહેલા નોરતે, એટલે કે 11 ઓક્ટોબરે મતદાન યોજાશે. મતદાન સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. 13 ઓક્ટોબરે મતગણતરી થશે અને પરિણામ જાહેર થશે.

ગાંધીનગર મહાનગરપાલિકામાં 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે ચૂંટણી લડાશે. ભાણવડ નગરપાલિકામાં 24 બેઠકો, ઓખા નગરપાલિકામાં 36 બેઠકો અને થરા નગરપાલિકામાં 24 બેઠકો માટે મતદાન થશે.

ગત ચૂંટણીના પરિણામો તરફ નજર કરીએ તો ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકોમાંથી ભાજપને 41 બેઠકો મળી હતી, કોંગ્રેસને 2 અને આમ આદમી પાર્ટીને 1 બેઠક મળી હતી. થરા નગરપાલિકાની 24 બેઠકોમાંથી ભાજપને 20 અને કોંગ્રેસને 4 બેઠકો મળી હતી. ઓખા નગરપાલિકાની 36 બેઠકોમાંથી ભાજપને 34 અને કોંગ્રેસને 2 બેઠકો મળી હતી. ભાણવડ નગરપાલિકાની 24 બેઠકોમાંથી ભાજપને 8 અને કોંગ્રેસને 16 બેઠકો મળી હતી.

ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી વર્ષ 2011માં યોજાઈ હતી. ત્યારે 11 વોર્ડની 33 બેઠકોમાંથી કોંગ્રેસને 18 અને ભાજપને 15 બેઠકો મળી હતી. બહુમતી સાથે કોંગ્રેસે સત્તા સંભાળી હતી, પરંતુ તે લાંબો સમય ટકી શકી નહીં. ઓક્ટોબર 2012માં કોંગ્રેસના મેયર મહેન્દ્રસિંહ રાણા, ડેપ્યુટી મેયર સુભાષ પાંડવ અને એક મહિલા કોર્પોરેટર હંસાબેન મોદીએ પક્ષ પરિવર્તન કર્યું. આથી કોંગ્રેસ લઘુમતીમાં આવી જતાં સત્તા છોડવી પડી હતી.

2016ની ચૂંટણીમાં પણ આવો જ ઘટનાક્રમ જોવા મળ્યો. 8 વોર્ડની 32 બેઠકો માટે ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને 16-16 બેઠકો મળી હતી. પરંતુ પ્રથમ સામાન્ય સભા મળે તે પહેલાં કોંગ્રેસના કોર્પોરેટર પ્રવીણભાઈ પટેલે પક્ષ પરિવર્તન કર્યું, જેના કારણે એક બેઠકની સરસાઈ સાથે ભાજપનું બોર્ડ બન્યું હતું.

નવા સીમાંકન બાદ વર્ષ 2021માં ચૂંટણી યોજાઈ. તેમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારો ઊભા રાખ્યા હતા. ત્રિપાંખિયા જંગને કારણે મતોનું વિભાજન થયું અને તેનો ફાયદો ભાજપને મળ્યો. 11 વોર્ડની 44 બેઠકોમાંથી ભાજપને 41, કોંગ્રેસને 2 અને આમ આદમી પાર્ટીને 1 બેઠક મળી હતી. પક્ષ પરિવર્તનનો સિલસિલો યથાવત રહ્યો અને કોંગ્રેસના બંને કોર્પોરેટરોએ ભાજપનો સાથ લીધો હતો.