સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર મનપા ચૂંટણી: 44 બેઠકો માટે 130 ઉમેદવારો મેદાનમાં, ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

ગાંધીનગર મનપા ચૂંટણી: 44 બેઠકો માટે 130 ઉમેદવારો મેદાનમાં, ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (મનપા)ની 11 વોર્ડની 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારોનું ચિત્ર ફાઇનલ થઈ ગયું છે. 29 સપ્ટેમ્બરે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂરી થતાં હવે કુલ 130 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

ચૂંટણી તંત્રના આંકડા મુજબ, ચકાસણી બાદ માન્ય રહેલા 138 ઉમેદવારોમાંથી 8 ફોર્મ પરત ખેંચાયા છે. જેમાં આમ આદમી પાર્ટી (આપ)ના 5 અને 3 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ ફેરફાર બાદ હવે 130 ઉમેદવારો સ્પર્ધામાં છે. કોંગ્રેસમાંથી એક પણ ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચતાં પાર્ટીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં મુખ્ય રાજકીય પક્ષોએ પોતાની પૂરી તાકાત ઝીંકી દીધી છે. ભાજપ અને કોંગ્રેસે તમામ 11 વોર્ડમાં 4-4 ઉમેદવારોની પેનલ સાથે પોતાના પૂરા 44-44 ઉમેદવારો મેદાને ઉતાર્યા છે, જેના કારણે બંને રાષ્ટ્રીય પક્ષો વચ્ચે સીધી ટક્કર નિશ્ચિત બની છે. બીજી તરફ, 'આપ'ના 32, બસપા અને અન્ય અપક્ષો મળીને કુલ 130 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. વોર્ડ નંબર 6માં સૌથી વધુ 15 ઉમેદવારો વચ્ચે મુકાબલો છે, જ્યારે વોર્ડ નંબર 1માં સૌથી ઓછા 10 ઉમેદવારો મેદાનમાં છે.

ગાંધીનગર મનપાની આ ચૂંટણી જીતવા માટે શાસક પક્ષ દ્વારા બેઠકો બિનહરીફ કરાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા છે. વિપક્ષી ઉમેદવારો અને અપક્ષોએ મક્કમતા દાખવતાં એક પણ બેઠક બિનહરીફ થઈ શકી નથી. આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં પાટનગરના આ રસાકસીભર્યા જંગમાં ભાજપ અને કોંગ્રેસમાંથી કયો પક્ષ બાજી મારે છે તેના પર સમગ્ર રાજ્યના રાજકારણની નજર રહેશે.

ઉલ્લેખનીય છે કે, 2 સપ્ટેમ્બરે મતદાર યાદીનો ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને 14 સપ્ટેમ્બરે આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. ગાંધીનગર મનપા ચૂંટણીમાં કુલ 2,59,443 મતદારો નોંધાયા છે. જેમાં 1,32,285 પુરુષ, 1,27,149 મહિલા અને 9 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

આગામી 11 ઓક્ટોબરે યોજાનાર મતદાનમાં ગાંધીનગરના મતદારો કોને પસંદ કરે છે અને કયો પક્ષ સત્તા મેળવે છે તે જોવું રસપ્રદ રહેશે. 2021ની ચૂંટણીમાં ભાજપને 41, કોંગ્રેસને 2 અને આપને 1 બેઠક મળી હતી.

આ સાથે જ, ઉમેદવારોના સોગંદનામા વિશ્લેષણમાં ધનાઢ્ય ઉમેદવારો પણ સામે આવ્યા છે. ભાજપના ઉમેદવાર જશવંત પટેલ પાસે 244 કરોડની સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે. અમે તમને 10 કરોડથી ઉપરની સંપત્તિ ધરાવતા ભાજપ-કોંગ્રેસના 5 ઉમેદવારો અંગે જાણાવી રહ્યા છીએ, જેઓ રાજ્યના 20 મંત્રી કરતા પણ પૈસાદાર છે.