ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપની જીત બાદ હવે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહત્ત્વના હોદ્દાઓ માટે પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણી પરિણામોના ત્રણ સપ્તાહ બાદ આજે પ્રથમ સામાન્ય સભા મળવાની છે, જેમાં આ હોદ્દાઓ પર નિમણૂક થવાની શક્યતા છે. ત્યારે મેયર કોણ બનશે તે અંગે ચર્ચાએ જોર પકડ્યું છે.
આ વખતે મેયરનું પદ OBC વર્ગ માટે અનામત છે, તેથી ભાજપમાં સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારી નક્કી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઠાકોર અને ચૌધરી સમાજના કાઉન્સિલરોના નામ ચર્ચામાં છે. વિષ્ણુજી ઠાકોરના અનુભવી નેતૃત્વ અને રૂપસિંહ ઠાકોરના યુવા ચહેરા પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે. બીજી તરફ મહેશ ચૌધરી અથવા કનૈયાલાલ દેસાઈના નામ પણ રેસમાં છે.
ભાજપ ઘણીવાર નવા અને સામાન્ય કાર્યકરોને મોટી જવાબદારી સોંપીને આશ્ચર્યજનક નિર્ણય લેતો હોય છે. આ જ ફોર્મ્યુલા હેઠળ જો નિર્ણય લેવામાં આવે તો સામાન્ય કાર્યકરને મેયર જેવા હોદ્દા સુધી પહોંચાડવાનો સંદેશ જાય છે અને આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા સમીકરણો પણ સર્જાઈ શકે છે.
મેયર પદની સાથે મનપાની સૌથી મહત્ત્વપૂર્ણ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પણ ચર્ચાઓ તેજ બની છે. આ પદ પાટીદાર સમાજના પ્રતિનિધિને મળી શકે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. ભાજપના જીતેલા 38 કાઉન્સિલરોમાંથી 8 કાઉન્સિલરો પાટીદાર સમાજના છે. ગાંધીનગરમાં સામાજિક સંતુલન જાળવવાની રણનીતિ હોદ્દાઓની ફાળવણીમાં નિર્ણાયક બની શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મનપામાં ભાજપને સ્પષ્ટ બહુમત મળી છે. હવે આજે યોજાનારી સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની પસંદગી થશે. ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સામાજિક સમીકરણો અને ઉમેદવારની યોગ્યતાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.