ગાંધીનગર મહાનગરપાલિકામાં નવા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે. આ માટે સેક્ટર-17 ખાતે આવેલી મનપાની મુખ્ય કચેરીમાં સામાન્ય સભા બોલાવવામાં આવી છે.
આ સભામાં ભાજપના ચૂંટાયેલા સભ્યોમાંથી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતનાં મહત્ત્વનાં પદો પર કોને નિયુક્ત કરવા તે અંગે સત્તાવાર જાહેરાત થશે. પક્ષના મોવડીમંડળ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે અનુભવ, સંગઠનમાં કામગીરી અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં લઈને ચર્ચા ચાલી રહી છે.
દિવાળીના તહેવારો પહેલા શહેરને નવું નેતૃત્વ મળશે અને તહેવારો બાદ નવા પદાધિકારીઓ સત્તાવાર રીતે પોતાનો કાર્યભાર સંભાળશે. મનપા મુખ્ય કચેરીમાં સભાની તૈયારીઓ ચાલી રહી છે.
આ ચૂંટણી પ્રક્રિયા લોકશાહી રીતે પાર પાડવામાં આવશે અને સામાન્ય સભામાં પક્ષે નક્કી કરેલાં નામોની સત્તાવાર જાહેરાત કરાશે. નવું નેતૃત્વ શહેરના વિકાસકાર્યોને વેગ આપશે અને નાગરિકોની સમસ્યાઓના ઉકેલ માટે કામ કરશે તેવી અપેક્ષા છે.