સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર મનપાના નવા મેયર રૂપસિંહ ઠાકોર, ડેપ્યુટી મેયર અંજના મહેતા

ગાંધીનગર મનપાના નવા મેયર રૂપસિંહ ઠાકોર, ડેપ્યુટી મેયર અંજના મહેતા

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપની જીત બાદ નવા પદાધિકારીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. રૂપસિંહ ઠાકોર મેયર, અંજના મહેતા ડેપ્યુટી મેયર અને મહેન્દ્ર પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે. ચૂંટણી પરિણામ આવ્યાના 20 દિવસ બાદ આ પસંદગી કરવામાં આવી છે.

ગાંધીનગર મનપાની સામાન્ય સભા 3 નવેમ્બર, મંગળવારે મળી હતી. તેમાં વિવિધ હોદ્દા માટે વરણીની પ્રક્રિયા શરૂ થઈ હતી, પરંતુ ભાજપના સભ્યો માટે મેન્ડેટ નહીં આવતા નિર્ણયોમાં વિલંબ થયો હતો. કોંગ્રેસે મનપા કમિશનર સામે આ મુદ્દો ઉઠાવ્યો હતો. છેવટે ભાજપના શહેર પ્રભારી બપોરે દોઢ વાગ્યે મેન્ડેટ લઈને મનપા કચેરી પહોંચ્યા હતા, જ્યાં બેઠક બાદ વિવિધ નિર્ણયો લેવાયા હતા.

બેઠકમાં 29 વર્ષીય રૂપસિંહ ઠાકોરને મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ પ્રથમ વખત ચૂંટણી લડીને મનપામાં પહોંચ્યા છે. ડેપ્યુટી મેયર તરીકે અંજના મહેતાની પસંદગી કરવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.

બીજી તરફ કોંગ્રેસે વિપક્ષના નેતા તરીકે કર્મજીતસિંહ વાઘેલાની પસંદગી કરી છે. આ વખતે મનપામાં વિપક્ષ મજબૂત બનશે. ગત ટર્મમાં વિપક્ષના સભ્યોની સંખ્યા ઓછી હતી, પરંતુ આ વખતે કોંગ્રેસે 5 બેઠકો જીતી છે અને એક અપક્ષ ઉમેદવાર પણ સાથે આવતા વિપક્ષ પાસે પૂરતી તાકાત રહેશે.