સત્ય. સાહસ. સંકલ્પ.

પુત્રની ઘેલછામાં પિતાએ ભૂલથી 100 રૂપિયાની નોટ ગળી, પેટ ચીરી કાઢવાનો પ્રયાસ

પુત્રની ઘેલછામાં પિતાએ ભૂલથી 100 રૂપિયાની નોટ ગળી, પેટ ચીરી કાઢવાનો પ્રયાસ

ગાંધીનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્રણ દીકરીના પિતા 36 વર્ષીય યુવકે પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પોતાનું જીવ જોખમમાં મૂક્યું હતું. માતાજીના દાણા નાખવાની માનતા માનતા પ્રસાદરૂપે મળેલા દાણા સાથે ભૂલથી 100 રૂપિયાની ચલણી નોટ ગળી ગયો.

આ ઘટના બાદ યુવક માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો. તેને લાગ્યું કે નોટ ગળી જવાથી તેને પુત્ર પ્રાપ્તિ નહીં થાય. આ અંધશ્રદ્ધાના કારણે તેણે દાંતરડા જેવા હથિયારથી પોતાનું પેટ ચીરીને નોટ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો.

ગંભીર ઈજા સાથે યુવકને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક રીતે તે ભાનમાં હતો અને બોલતો-ચાલતો હતો. તબીબોએ તાત્કાલિક સર્જરી કરીને તેને બચાવી લીધો હતો. આ જટિલ ઓપરેશન દરમિયાન પેટની દીવાલને થયેલા નુકસાનને સીવી દેવામાં આવ્યું હતું અને આંતરડામાં ખાસ નળી મૂકવામાં આવી હતી.

સર્જરી બાદ દર્દીને આઈસીયુમાં રાખ્યો હતો અને પાંચ-છ દિવસ બાદ તેની સ્થિતિ સ્થિર થતાં તેને સામાન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. હોસ્પિટલના તબીબોએ આવી અંધશ્રદ્ધા ન કરવા અપીલ કરી છે.