સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર જમીન વિવાદમાં પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની સંડોવણી, ખેડૂતના અપહરણની ફરિયાદ

ગાંધીનગર જમીન વિવાદમાં પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની સંડોવણી, ખેડૂતના અપહરણની ફરિયાદ

ગાંધીનગર નજીક કરોડો રૂપિયાની જમીનના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર આ પ્રકરણમાં સંડોવાયા છે. ખેડૂત પોપટજી ઠાકોરનું ગાંધીનગર સેક્ટર-11 સ્થિત સબ-રજીસ્ટ્રાર કચેરીમાંથી અપહરણ કરવામાં આવ્યું છે અને તેઓ લગભગ બે મહિનાથી ગુમ છે. આરોપીઓએ જગદીશ ઠાકોર સિવાય જમીન કોઈને ન વેચવા ધમકી આપી હોવાનો આક્ષેપ ખેડૂતની પત્નીએ કર્યો છે. આ ફરિયાદ બાદ અડાલજ પોલીસે તપાસ શરૂ કરી છે, જેથી રાજકીય વાતાવરણ ગરમાયું છે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સમયે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ઠાકોર સમુદાયની જમીન પચાવી પાડવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસી નેતાઓએ આ જમીન પ્રકરણને ચૂંટણીનો મુદ્દો બનાવીને રાજકીય રંગ આપ્યો હતો. પરંતુ હવે આ જમીન પ્રકરણમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર જ ફસાયા હોવાનું સામે આવ્યું છે. વિવાદાસ્પદ જમીન પચાવી પાડવાના ઈરાદે ખેડૂતનું સબ-રજીસ્ટ્રાર કચેરીમાંથી ફિલ્મી ઢબે અપહરણ કરાયું હોવાનો આરોપ છે. એટલું જ નહીં, તેમને બે મહિનાથી અજાણ્યા સ્થળે ગોંધી રાખવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ખેડૂતની પત્ની કાજલ ઠાકોરે અડાલજ પોલીસ સ્ટેશનમાં ન્યાયની માંગ કરી છે. પોલીસ ફરિયાદમાં તેમણે આક્ષેપ કર્યો છે કે રવિ ઠાકોર, ગાભુ રબારી અને બળદેવ રબારી નામના શખ્સોએ પોપટજીને તેમની વડીલોપાર્જિત જમીન અન્ય કોઈને વેચતા અટકાવી હતી. ગાંધીનગર સેક્ટર-11 સ્થિત સબ-રજીસ્ટ્રાર કચેરીએથી પોપટજીનું બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર સિવાય આ જમીન બીજા કોઈને ન વેચવાની ધમકી આપીને દસ્તાવેજો પર બળજબરીપૂર્વક સહીઓ કરાવી લેવાઈ હોવાનો પણ આરોપ છે.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ખોરજની જમીનના મૂળ ભાગીદાર ખેડૂત પોપટજી ઠાકોર પોણા બે મહિનાથી ભેદી સંજોગોમાં લાપતા છે. જમીન પચાવી પાડવાના ઈરાદે તેમને અજાણ્યા સ્થળે ગોંધી રાખવામાં આવ્યા છે. હાલ અડાલજ પોલીસ આ મામલાની કાયદાકીય તપાસ ચલાવી રહી છે અને ગુમ થયેલા ખેડૂતની શોધખોળ કરી રહી છે.

પોલીસનું અનુમાન છે કે ગાંધીનગર સબ-રજીસ્ટ્રાર કચેરીના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવશે તો ઘણા રહસ્યો ખુલી શકે છે. આ ઉપરાંત મોબાઈલ ફોનના લોકેશન પરથી કોંગ્રેસી નેતાની શંકાસ્પદ ભૂમિકા પણ બહાર આવી શકે છે. કરોડો રૂપિયાના જમીન કૌભાંડ અને અપહરણના મામલે આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. અત્યારે સૌની નજર પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધે છે અને ગુમ થયેલા ખેડૂતનો પત્તો ક્યારે લાગે છે તેના પર મંડાયેલી છે.