સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર જમીન વિવાદ: કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર સામેની ફરિયાદ રદ, હાઈકોર્ટે પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા

ગાંધીનગર જમીન વિવાદ: કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર સામેની ફરિયાદ રદ, હાઈકોર્ટે પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા

ગાંધીનગરના અડાલજ પોલીસ મથકે ગયા ઓક્ટોબર મહિનામાં કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર સહિત કેટલાક લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદમાં એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ખોરજ ગામમાં તેમની જમીન છે અને તેમને આ જમીન ચતુરસિંહ પટેલ અને હરિશસિંહ ગોહિલને વેચવા દબાણ કરવામાં આવી રહ્યું છે. જોકે, આ મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં જગદીશ ઠાકોર, રવિ ઠાકોર સહિતના અરજદારોએ ફરિયાદીની સહમતિથી ફરિયાદ રદ કરવાની અરજી કરી હતી.

કોર્ટમાં ફરિયાદી, તેના પતિ અને આરોપીઓ – તમામ હાજર રહ્યા હતા. અરજદારોના વકીલે દલીલ કરી હતી કે ફરિયાદીની જમીન રતિલાલ અને હરિસિંહને વેચવાની ઇચ્છા નહોતી, પરંતુ પોલીસ તેમને આ વ્યક્તિઓને જમીન વેચવા માટે દબાણ કરી રહી હતી. ફરિયાદીએ કોર્ટને જણાવ્યું કે ફરિયાદમાં દર્શાવેલી કોઈપણ ઘટના ખરેખર બની નથી, પરંતુ પોલીસે જાતે જ ફરિયાદ લખીને તેની સહી લઈ લીધી હતી.

અરજદારોના વકીલે વધુમાં જણાવ્યું કે આ જમીનની કિંમત લગભગ 150 કરોડ રૂપિયા છે, તેથી પોલીસને તેમાં રસ છે. તેમણે એમ પણ કહ્યું કે ફરિયાદીના પતિનું અપહરણ થયું નહોતું, પરંતુ તે પોલીસથી બચવા માટે ભાગતો ફરતો હતો.

કોર્ટે નોંધ લીધી કે પોલીસ પૈસા લે છે તે વાત કોર્ટને પણ ખબર છે. પોલીસ રૂપિયા લઈને કોર્ટનું કામ કરી શકે નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે એવું લાગે છે કે પોલીસને પગાર ઓછો પડે છે. જોકે, સરકારી વકીલે ફરિયાદીના સોગંદનામામાં ઉચ્ચ પોલીસ અધિકારીના નામ સંબંધિત આક્ષેપો પર વાંધો ઉઠાવ્યો હતો. આખરે નામની જગ્યાએ 'ઉચ્ચ પોલીસ અધિકારી' લખવામાં આવ્યું હતું. કોર્ટે ફરિયાદ રદ કરવાની અરજી ગ્રાહ્ય રાખી હતી.

આ મામલો શું છે? ખોરજ ગામની સીમમાં આવેલી સર્વે નંબર 232ની સંયુક્ત હિસ્સાની જમીનને અન્ય ખરીદદારોને વેચવા બાબતે વિવાદ સર્જાયો હતો. આ જમીન અંગે અમદાવાદના રવિ ઠાકોરે ફરિયાદી પક્ષને ધમકી આપી હતી કે આ જમીન ફક્ત જગદીશ ઠાકોરને જ વેચવી જોઈએ. ગત 29 ઓગસ્ટના રોજ ફરિયાદી કાજલબેનના પતિ પોપટજી ઠાકોર, તેમના ભાઈ હર્ષદભાઈ અને અન્ય સહ-માલિકો ગાંધીનગર સેક્ટર-11 સ્થિત સબ રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ કરાવવા પહોંચ્યા હતા. ત્યારે રવિ ઠાકોર અને તેમના સાગરીતો ગાભુભાઈ રબારી તથા બળદેવભાઈ રબારીએ સરકારી કચેરીમાં ધસી આવી ગાળાગાળી કરી દસ્તાવેજ અટકાવી દીધો હતો.

ત્યારબાદ આરોપીઓએ પોપટજી અને હર્ષદભાઈનું બળજબરીપૂર્વક ગાડીમાં અપહરણ કર્યું હોવાનો આરોપ છે અને પોલીસ ફરિયાદ ન કરવા કાજલબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે જ રાત્રે અપહરણકારોએ હર્ષદભાઈને હાઈવે પર ઉતારી દીધા હતા, પરંતુ પોપટજી ઠાકોરને અજ્ઞાત સ્થળે લઈ જઈ ગોંધી રાખવામાં આવ્યા હોવાની આશંકા વચ્ચે પોલીસે તપાસ હાથ ધરી હતી.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ જમીન પ્રકરણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે ગાંધીનગરની પોલીસ ગરીબ ખેડૂતોની જમીનો લખાવી લેવા માટે તેમના પર બળજબરી કરી રહી છે. જોકે, ત્યારબાદ જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં જઈને હંગામો કરી કામગીરીમાં વિક્ષેપ ઊભો કરવા બદલ ફરિયાદ થઈ હતી.