ગાંધીનગરના કુડાસણ ખાતે નિર્માણાધીન બિલ્ડિંગની સાઇટ પર મોડી સાંજે સ્લેબ અચાનક ધરાશાયી થઈ જવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 15 જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. ગાંધીનગર મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોએ યુદ્ધના ધોરણે બચાવ કાર્ય હાથ ધર્યું હતું. કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે આધુનિક સાધનો અને ક્રેનની મદદ લેવામાં આવી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઘટનાસ્થળ તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 15 શ્રમિકોમાંથી બે શ્રમિકો સુરક્ષિત હોવાથી તેમને રજા આપવામાં આવી છે, જ્યારે બાકીના તમામ શ્રમિકોની હાલ સારવાર ચાલી રહી છે.
આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચીને ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે નિષ્ણાત તબીબોને તૈનાત કરવા અને જરૂરી સૂચનાઓ આપી હતી. દુર્ઘટનાનો ભોગ બનેલા તમામ ઈજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોની વિશેષ ટીમ દ્વારા તેમને તાકીદની સારવાર આપવામાં આવી રહી છે.
નાયબ મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચીને ઈજાગ્રસ્ત દર્દીઓની સ્થિતિ જાણી હતી અને ફરજ પરના તબીબોને શ્રેષ્ઠતમ સારવાર આપવા જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બાંધકામ સ્થળે સલામતીના નિયમોનું પાલન થયું હતું કે કેમ તેમજ સ્લેબ તૂટવા પાછળ ગુણવત્તા કે અન્ય કોઈ ક્ષતિ જવાબદાર છે કે નહીં તેની ઊંડાણપૂર્વક તપાસ કરવા સંબંધિત અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. તપાસ બાદ નિયમ મુજબ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સમગ્ર પરિસ્થિતિ પર જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. બનાવ સ્થળે ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક સહિત ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ગયા હતા. સમયસર અને ઝડપી રેસ્ક્યુ કામગીરીને પરિણામે ઝીરો કેજ્યુલિટી થવા પામી છે.