સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગરમાં બફારા બાદ ધોધમાર વરસાદ, માણસા-દહેગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ગાંધીનગરમાં બફારા બાદ ધોધમાર વરસાદ, માણસા-દહેગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ગાંધીનગર જિલ્લામાં સવારથી ભારે બફારા બાદ બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો, જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલા ઉકળાટમાંથી નાગરિકોને હાલ પૂરતી રાહત મળી હતી. જોકે, વરસાદ અડધો કલાકથી વધુ ચાલ્યો હતો.

ગાંધીનગર ઉપરાંત માણસા અને દહેગામ-ચિલોડા હાઈવે પર પણ બપોર પછી ભારે વરસાદ પડ્યો હતો. અચાનક પડેલા આ ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની ઘટનાઓ સામે આવી છે.

હવામાન વિભાગે ગુજરાતમાં 15 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં તાપી જિલ્લાના ઉકાઈમાં 11.81 ઇંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 24 જિલ્લામાં ધોધમાર વરસાદનું ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ગાંધીનગરમાં દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ, પવનની ગતિ અને ભેજના પ્રમાણમાં થતા ફેરફારોની સીધી અસર વાતાવરણ પર જોવા મળી હતી. ખાસ કરીને ભેજનું પ્રમાણ વધુ રહેતા સવારથી ઉકળાટનો અનુભવ થયો હતો. ત્યારબાદ બપોરના સમયે વાદળછાયા વાતાવરણ વચ્ચે અચાનક ઠંડા પવન ફૂંકાવા લાગ્યા અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પાણી ભરાયેલા વિસ્તારોમાંથી પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે. નાગરિકોને સતર્ક રહેવા અને હવામાન વિભાગની આગાહીના આધારે જરૂરી સાવચેતી રાખવા સૂચના અપાઈ છે.