ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં છેલ્લા સાત દિવસથી ચાલી રહેલી વનપાલ અને વનરક્ષકોની હડતાળ આજે પૂરી થઈ રહી છે. વનમંત્રી અર્જુન મોઢવાડિયા, વન વિભાગના અધિકારીઓ અને વનકર્મચારીઓના સંગઠનના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં કર્મચારીઓની મોટાભાગની માંગણીઓ પર સહમતી સધાઈ હતી.
સરકારે ખાસ કરીને રિસ્ક એલાઉન્સ, મહેકમ અને યુનિફોર્મ અંગેની માંગણીઓ સ્વીકારી છે. બાકી રહેલા મુદ્દાઓ માટે નાણા વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગની મંજૂરી મેળવ્યા બાદ યોગ્ય પ્રક્રિયા હાથ ધરીને ટૂંક સમયમાં નિરાકરણ લાવવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ સૂચના અનુસાર વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે આ બેઠક યોજાઈ હતી. વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે વનકર્મચારીઓ અત્યંત કઠિન પરિસ્થિતિઓમાં પણ જંગલો અને વન્યપ્રાણીઓની સુરક્ષા માટે રાત-દિવસ કાર્યરત રહે છે, અને સરકાર તેમની વ્યાજબી માંગણીઓ પ્રત્યે સંવેદનશીલ છે.
બેઠકની હકારાત્મક ચર્ચાઓ બાદ વનકર્મચારીઓના સંગઠને આંદોલન સત્તાવાર રીતે સમેટવાની જાહેરાત કરી હતી.