ગાંધીનગર: રાજ્યભરમાં ફરજ બજાવતા વનપાલ અને વનરક્ષક કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓ માટે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈને અનિશ્ચિત મુદતની હડતાળનું એલાન કર્યું છે. આજે આ હડતાળનો બીજો દિવસ છે. કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી તેઓ ફરજ પર પરત ફરશે નહીં.
વનકર્મીઓની મુખ્ય પાંચ માંગણીઓમાં ગ્રેડ પેની વિસંગતતા દૂર કરવા, પગાર માળખાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ રચવા, રજા પગાર ભથ્થામાં પગાર ધોરણ મુજબ મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થાનો સમાવેશ કરવો, રિસ્ક સિક્યુરિટી એલાઉન્સ આપવો અને ૪૮ દિવસની પગાર મર્યાદા દૂર કરવાનો સમાવેશ થાય છે.
આ આંદોલનમાં ગુજરાતભરના વનરક્ષક કર્મચારી મંડળના સભ્યો જોડાયા છે. નોંધનીય છે કે મહિલા કર્મચારીઓ પણ પોતાના નાના બાળકો સાથે હડતાળમાં સામેલ થઈ છે, જે તેમની માંગણીઓ પ્રત્યેની ગંભીરતા દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુરતમાં પણ કચરાગાડીના ચાલકોએ પ્રાથમિક સુવિધાઓની માંગ સાથે હડતાળ પાડી હતી. લિંબાયત ઝોનના ડીંડોલી સ્થિત કચરાના ગોડાઉનમાં ૧૬૦થી વધુ ચાલકોએ જીગર ટ્રાન્સપોર્ટ કંપની સામે વિરોધ નોંધાવ્યો હતો. મજૂરોનો આરોપ હતો કે કંપની તેમને જરૂરી પ્રાથમિક સુવિધાઓ આપતી નથી. થોડા દિવસ પહેલા ડીંડોલીમાં મજૂરોના ઝૂંપડાંમાં આગ લાગી હતી, જેમાં તેમની ઘરવખરી અને અનાજ બળીને ખાખ થઈ ગયા હતા. પીડિત મજૂરોએ નુકસાનની ભરપાઈ અને પ્રાથમિક સવલતોની માંગ સાથે કામગીરીથી અળગા રહી વિરોધ કર્યો હતો.