ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા એક મોટો વિવાદ સામે આવ્યો છે. RTI એક્ટિવિસ્ટ સંતોષસિંહ રાઠોડે આરોપ લગાવ્યો છે કે વર્ષ 2021ની ચૂંટણીમાં ભાજપના ચૂંટાયેલા તમામ 41 કોર્પોરેટરોએ મંડપ, નાસ્તો અને ડીજે સહિતનો એકસરખો જ ખર્ચ – 1,33,380 રૂપિયા – દર્શાવ્યો હતો.
રસપ્રદ વાત એ છે કે શંકાસ્પદ ખર્ચ દર્શાવનારા 41 પૈકી 12 કોર્પોરેટરોને પ્રદેશ ભાજપે આ ચૂંટણીમાં પણ ફરી ટિકિટ આપી છે.
સંતોષસિંહ રાઠોડનો આરોપ છે કે તમામ ઉમેદવારોએ તેમના ખર્ચની 170 જેટલી એન્ટ્રીઓ દર્શાવી હતી, જેમાં એકથી લઈને 170 નંબરની એન્ટ્રી સુધીની તમામ એન્ટ્રીઓ એકસરખી હતી. એટલું જ નહીં, નિયમ મુજબ જે સ્ટાર પ્રચારક નથી હોતા અને ચૂંટણીના આયોજનોમાં જોડાય છે, તેમના આવવા-જવાનો અને રોકાવાનો તમામ ખર્ચ ઉમેદવારના ખર્ચમાં ગણાય છે. પરંતુ એકપણ ઉમેદવારે સ્ટાર પ્રચારકોના ખર્ચના હિસાબો પોતાના ખર્ચમાં જોડ્યા નહોતા.
સંતોષસિંહનો વધુ એક આરોપ છે કે પાંચ વર્ષમાં કલેક્ટર બદલાયા છતાં હજુ સુધી હિસાબ મામલે કોઈ નક્કર પગલાં લેવાયાં નથી. ડિસેમ્બર 2023માં જે છેલ્લી સુનાવણી થઈ હતી તેના પછી કોઈપણ સુનાવણી પણ થઈ નથી, એમ તેમણે જણાવ્યું.