ગાંધીનગરમાં 31 ઓક્ટોબરે યોજાનાર 'રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ-2026'ની તૈયારીઓ ચાલી રહી છે. આ પરેડમાં ભાગ લેવા માટે વિવિધ શસ્ત્ર દળોના 5,500 જવાનો ગાંધીનગરમાં આવ્યા છે. જોકે, છેલ્લા 10 દિવસમાં આ જવાનોમાં ડેન્ગ્યુનો વ્યાપ ઝડપથી વધ્યો છે. અત્યાર સુધીમાં 87 જવાનોને ડેન્ગ્યુ થયો છે, જેમાંથી 50 સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે 37 જવાનો હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. દુર્ભાગ્યે, એક જવાનનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાહેર થશે.
ગઈકાલે આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ ગાંધીનગરની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં દરેક બ્લોક માટે 4 આરોગ્ય કર્મચારીઓની નિમણૂક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી મચ્છરજન્ય રોગોને કાબૂમાં લઈ શકાય.
આ ઉપરાંત, અમદાવાદ શહેરમાં પણ ડેન્ગ્યુના કેસો ઝડપથી વધી રહ્યા છે. વર્ષના પ્રથમ 9 મહિનામાં કુલ 1,344 કેસ નોંધાયા છે, જેમાંથી 56.3 ટકા એટલે કે 756 કેસ માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ નોંધાયા છે. સૌથી વધુ કેસ ગોતા વિસ્તારમાં 64, ચાંદલોડિયામાં 44, થલતેજમાં 40, રાણીપમાં 31 અને લાંભામાં 26 નોંધાયા છે. ચોમાસા પછી ખુલ્લા પ્લોટો અને આસપાસના વિસ્તારોમાં ભરાયેલા વરસાઈના પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધવાને કારણે કેસોમાં ઝડપી વધારો થયો છે.