ગાંધીનગરમાં 31 ઓક્ટોબરે યોજાયેલી રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ભાગ લેવા આવેલા અર્ધલશ્કરી દળોના જવાનોમાં ડેન્ગ્યુનો રોગચાળો ફેલાયો છે. સેક્ટર-28 અને 29ના નવા સરકારી આવાસોમાં ઉતારો આપવામાં આવેલા જવાનોમાં આ રોગચાળો ગંભીર બન્યો છે. અત્યાર સુધીમાં 100 જેટલા જવાનો બીમાર પડ્યા છે, જ્યારે 43 જવાનો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર લઈ રહેલા CRPFના 29 વર્ષીય જવાન અમલ બર્મનનું ગત રાત્રે શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. હોસ્પિટલના આરએમઓ ડો. વિપુલાબેનના જણાવ્યા અનુસાર, અમલ 6 ઓક્ટોબરે રાત્રે 9.30 વાગ્યે ઓપીડીમાં આવ્યો હતો અને તબીબી રિપોર્ટના આધારે તેને દાખલ કરવામાં આવ્યો હતો. 7 ઓક્ટોબરે સવારે 6 વાગ્યે તેને છાતીમાં દુખાવો અને ગભરામણ થવા લાગી. તાત્કાલિક ECG અને કાર્ડિયાક માર્કર કરવામાં આવ્યા, પરંતુ સવારે 6.50 વાગ્યે તેનું મૃત્યુ થયું. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને વિસેરા સેમ્પલ પરીક્ષણ માટે મોકલ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ ડેન્ગ્યુની ગંભીર અસર કે કાર્ડિયાક અરેસ્ટથી મોત થયું હોવાની શંકા છે, પરંતુ સત્તાવાર કારણ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે.
રોગચાળાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી છે. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે ફોગિંગ, દવાનો છંટકાવ અને સઘન સર્વેલન્સના આદેશ આપ્યા છે. જવાનોના નિવાસસ્થાનના દરેક બ્લોક માટે 4 આરોગ્ય કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે અને આવાસ પરિસરમાં પાણી ભરાય નહીં તે માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.
દરમિયાન, રાજ્યના આરોગ્ય વિભાગે દાવો કર્યો છે કે ચાલુ વર્ષે મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો થયો છે અને 1.39 કરોડથી વધુ લોહીના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જોકે, પાટનગરની મધ્યમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે તૈનાત જવાનોમાં ફેલાયેલા આ રોગચાળાએ તંત્રની પૂર્વ તૈયારીઓ અંગે સવાલો ઉભા કર્યા છે.