સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર: ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક? 41માંથી 12 વિવાદિત કોર્પોરેટરોને ભાજપની ફરી ટિકિટ

ગાંધીનગર: ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક? 41માંથી 12 વિવાદિત કોર્પોરેટરોને ભાજપની ફરી ટિકિટ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી 11 ઓક્ટોબરે યોજાનારી છે. ત્યારે 2021ની ચૂંટણી સાથે જોડાયેલો એક ગંભીર મામલો ચર્ચામાં આવ્યો છે. તે સમયે ભાજપના 41 વિજેતા કોર્પોરેટરોએ ચૂંટણી ખર્ચના હિસાબમાં એકસરખી રકમ દર્શાવી હતી, જે શંકાસ્પદ ગણાઈ હતી.

આ 41 કોર્પોરેટરોએ મંડપ, ચા-નાસ્તો અને ડીજે સહિતનો ખર્ચ એક જ વેપારીનો હોવાનું દર્શાવ્યું હતું. બધાએ નિયમોની વિરુદ્ધ જઈને એકસરખી 1,33,380 રૂપિયાની બનાવટી ખર્ચ દર્શાવી હતી. આ સંબંધમાં 56 દસ્તાવેજી પુરાવા કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

સર્વોચ્ચ અદાલતનો સ્પષ્ટ ચુકાદો છે કે ચૂંટણીમાં ખોટી એફિડેવિટ રજૂ કરનાર ઉમેદવાર છ વર્ષ સુધી ગેરલાયક ઠરે છે. ન્યાયાલયના આદેશ મુજબ આવા ગંભીર કેસોનો એક વર્ષમાં નિકાલ લાવવો ફરજિયાત છે. પરંતુ પાંચ વર્ષ વીતી ગયા છતાં આ કેસોનો નિકાલ થયો નથી.

આ પાંચ વર્ષ દરમિયાન કલેક્ટરે 22 વખત નોટિસ પાઠવીને સુનાવણી ગોઠવી હતી. તેમ છતાં 10થી પણ ઓછા કોર્પોરેટરો માત્ર એક જ વાર પ્રશાસન સમક્ષ હાજર થયા હતા. ત્યારબાદ તત્કાલીન મેયરે પોતે પત્રો લખીને વારંવાર મુદતો માગી હતી, જેના કારણે આખી તપાસ પાટા પરથી ઉતરી ગઈ હતી.

હવે 5 વર્ષ બાદ ભાજપે આ 41 વિવાદિત કોર્પોરેટરોમાંથી 12ને ફરી ટિકિટ ફાળવી છે. જ્યારે નિયમ મુજબ તેમને 6 વર્ષ માટે ગેરલાયક ઠેરવવાના બદલે તેમને ફરી ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા છે.