સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર: કોન્સ્ટેબલ જ્હાનવીના આપઘાતમાં ચેતક કમાન્ડો પ્રકાશ ચૌહાણની ધરપકડ, વેબ કેમેરો લગાવી લાઇવ નજર રાખતો

ગાંધીનગર: કોન્સ્ટેબલ જ્હાનવીના આપઘાતમાં ચેતક કમાન્ડો પ્રકાશ ચૌહાણની ધરપકડ, વેબ કેમેરો લગાવી લાઇવ નજર રાખતો

ગાંધીનગરના સેક્ટર-3D વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી અને અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરની 28 વર્ષીય કોન્સ્ટેબલ જ્હાનવી ડાભીનો 15 સપ્ટેમ્બરે ગળાફાંસો ખાધેલી વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં નવો ટ્વિસ્ટ સામે આવ્યો છે.

સેક્ટર 7ના PI એ. જી. સોલંકીએ જણાવ્યું કે, ચેતક કમાન્ડો પ્રકાશ ચૌહાણના શારીરિક અને માનસિક ત્રાસના લીધે જ્હાનવીએ આપઘાત કર્યો હતો. પ્રકાશએ જ્હાનવીના ઘરે ઓડિયો સુવિધા વાળો વેબકેમ લગાવ્યો હતો, જેનો એક્સેસ પણ તેની પાસે હતો અને તેના મોબાઇલમાં લાઇવ જ્હાનવીની હિલચાલ પર નજર રાખતો હતો. આ બનાવ પણ પ્રકાશે લાઇવ નિહાળ્યો હોવાનું નકારી શકાય એમ નથી. પ્રકાશએ તેના મોબાઇલમાંથી બધો ડેટા ડિલીટ કરી દીધો હોવાનું તપાસમાં સામે આવ્યું છે, જેથી વેબકેમ તેમજ પ્રકાશ-જ્હાનવીના મોબાઇલ FSLમાં મોકલાયા છે.

આ મામલે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને મગોડીમાં રહેતા બે બાળકોના પિતા પ્રકાશસિંહ ભીખુસિંહ ચૌહાણની ધરપકડ કરી છે.

14 સપ્ટેમ્બરની મોડી રાત્રે મહિલા કોન્સ્ટેબલના રૂમમાંથી તીવ્ર દુર્ગંધ આવતાં મકાનમાલિકે પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા જ્હાનવીનો મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો, જેના પરથી તેણે દોઢથી બે દિવસ અગાઉ જ આત્યંતિક પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે FSLની મદદથી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આત્મહત્યાના 48 કલાક પહેલાં જ્હાનવીએ 'I WISH I WAS A MONSTER, YOU THINK I AM' (અફસોસ કે હું એવી વિલન હોત જેવી તું સમજે છે) લખીને પોતાના ફોટો સાથેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મુકી હતી.

બીજી તરફ આ મામલે જ્હાનવીની ફોઇ નીતાબેન ડાભીએ જ્હાનવીને પૂર્વ પતિ ત્રાસ આપતો હોવાનો કથિત આક્ષેપ કર્યો હતો. એ વખતે નીતાબેને ખુલાસો કર્યો હતો કે, જ્હાનવીની મમ્મીના માનસિક ત્રાસના કારણે તેમના ભાઈ અનિલ ડાભીએ 2013માં સુસાઈડ કર્યું હતું. આ બધા આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે પોલીસે જ્હાનવીની બહેન સ્નેહલનું નિવેદન લીધું હતું. જેમાં જ્હાનવીએ તેના પ્રેમી પ્રકાશસિંહ ભીખુસિંહ ચૌહાણના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું. સ્નેહલ ડાભીની ફરિયાદના આધારે જ્હાનવીને આપઘાત માટે મજબૂર કરનાર ચેતક કમાન્ડો પ્રકાશ ચૌહાણની દુષ્પ્રેરણાના ગુના હેઠળ ધરપકડ કરી લેવાઈ છે.

સેક્ટર 7ના સુત્રોએ કહ્યું કે, જ્હાનવી મૂળ અમદાવાદની વતની હતી. નાનપણમાં જ પિતાનું અવસાન થતાં અને માતાએ પુનઃલગ્ન કરી લેતાં તેનો તથા તેના ભાઈ-બહેનનો ઉછેર દાદા-દાદીના ઘરે થયો હતો. પુખ્ત વયે લવ મેરેજ કર્યા બાદ પતિનું અવસાન થતાં સામાજિક રિવાજ મુજબ જેઠ અમિત સાથે તેના લગ્ન થયા હતા. સાસરીમાં રહીને જ જ્હાનવીએ મહેનત કરી પોલીસ ખાતામાં નોકરી મેળવી હતી. જોકે, આ લગ્નજીવનમાં પણ ખટરાગ ઊભો થતાં તે અલગ રહેવા લાગી હતી.

બાઇક સ્ટંટ અને ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાની શોખીન જ્હાનવી 4 વર્ષ અગાઉ અરવલ્લી ખાતે એક બાઇક સ્ટન્ટ ઇવેન્ટમાં ગઈ હતી. ત્યાં તેનો પરિચય મગોડી ખાતે રહેતા અને મૂળેટી SRP ગ્રુપના ચેતક કમાન્ડો પ્રકાશ ચૌહાણ સાથે થયો હતો. પ્રકાશ પરણિત અને બે બાળકોનો પિતા હોવા છતાં તેણે જ્હાનવીને લગ્નનું વચન આપી પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રકાશની ઉશ્કેરણીથી જ્હાનવીએ પતિથી કાનૂની રીતે છૂટાછેડા લઈ લીધા હતા.

પતિથી અલગ થયા બાદ પ્રકાશના વર્તનમાં અચાનક બદલાવ આવ્યો હતો. તે જ્હાનવી પર શંકા રાખી અસહ્ય ત્રાસ આપવા લાગ્યો હતો. જ્હાનવીની હિલચાલ પર નજર રાખવા તેણે સેક્ટર-3 વાળા ઘરે ઓડિયો સુવિધા ધરાવતો વેબ કેમેરો ફિટ કરાવ્યો હતો, જેનું લાઇવ એક્સેસ પ્રકાશના મોબાઇલમાં હતું. સોશિયલ મીડિયા પર 25 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતી જ્હાનવીએ ડિવોર્સ બાદ જ્યારે 13 સપ્ટેમ્બરે પ્રકાશને લગ્નની વાત કરી ત્યારે તેણે સ્પષ્ટ ના પાડી દીધી હતી. ત્યારબાદ પ્રકાશે જ્હાનવીને સોશિયલ મીડિયા અને મોબાઈલમાં બ્લોક કરી દીધી હતી.